News Continuous Bureau | Mumbai
Ratan Tata Death: ભારતના ‘અમૂલ્ય રત્ન’ રતન ટાટા હવે આપણી સાથે આ દુનિયામાં નથી રહ્યા. ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન રતન ટાટાનું નિધન થયું છે, તેમણે 86 વર્ષના વયે બુધવારે મોડી રાત્રે મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આજે તેમને રાજકીય સન્માન સાથે વિદાય આપવામાં આવશે. રતન ટાટાએ ટાટા ગ્રુપને વૈશ્વિક મંચ પર ઓળખ અપાવી હતી. છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત નાદુરસ્ત હતી. તેમના સ્વાસ્થ્યને લઈને અનેક પ્રકારના સમાચાર આવ્યા હતા. માત્ર બે દિવસ પહેલા એટલે કે સોમવારે, રતન ટાટાએ તેમની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સ્વાસ્થ્યને લગતી અટકળોને અફવા ગણાવી હતી. તો ચાલો જાણીએ રતન ટાટાની છેલ્લી પોસ્ટ શું હતી.
Ratan Tata Death: રતન ટાટાએ સ્વાસ્થ્યને લગતી અફવાઓને ફગાવી દીધી
રતન ટાટાએ સોમવારે તેમની છેલ્લી પોસ્ટમાં સ્વાસ્થ્યને લગતી અફવાઓને ફગાવી દીધી હતી. તેમણે તેમના ચાહકો માટે એક સંદેશ લખ્યો: મારા વિશે વિચારવા બદલ આભાર. હું મારા સ્વાસ્થ્ય વિશે ફેલાયેલી તાજેતરની અફવાઓથી વાકેફ છું અને હું દરેકને ખાતરી આપવા માંગુ છું કે આ દાવાઓ પાયાવિહોણા છે. મારી ઉંમર અને સંબંધિત તબીબી પરિસ્થિતિઓને લીધે, હું હાલમાં તબીબી તપાસ કરાવી રહ્યો છું. મારું મનોબળ ઊંચું છે.
Ratan Tata Death: રતન ટાટાએ મીડિયાને કરી હતી આ અપીલ
ટ્વિટર પર તેમની છેલ્લી સોશિયલ મીડિયા પોસ્ટમાં 86 વર્ષીય રતન ટાટાએ લખ્યું હતું કે, ‘હું જનતા અને મીડિયાને વિનંતી કરું છું કે તેઓ ખોટી માહિતી ફેલાવવાથી બચે.’ પીએમ મોદીથી લઈને રાષ્ટ્રપતિએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રતન ટાટાના નિધનની જાહેરાત કરતા, ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને તેમની શ્રેષ્ઠતા, અખંડિતતા અને નવીનતા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી. તેમણે લખ્યું કે ખૂબ જ દુઃખ સાથે તેઓ રતન ટાટાને વિદાય આપી રહ્યાં છે.
આ સમાચાર પણ વાંચો: Ratan Tata Love Story: એક નહીં 4-4 વાર થયો પ્રેમ, તો પણ કુંવારા રહ્યા ઉદ્યોગ જગતના બેતાજ બાદશાહ રતન ટાટા; જાણો શું હતું કારણ…
Ratan Tata Death: પારસી વિધિ મુજબ કરવામાં આવશે અંતિમ સંસ્કાર
રતન ટાટાના પાર્થિવ દેહ મુંબઈના કોલાબા સ્થિત તેમના બંગલામાં રાખવામાં આવ્યા છે. તેમના પાર્થિવ દેહને સવારે 9.45 વાગ્યે કોલાબાથી NCPA લઈ જવામાં આવશે. કોલાબાથી NCPAનું અંતર 2 કિલોમીટર છે. આ માટે મુંબઈ પોલીસે ગ્રીન કોરિડોર બનાવ્યો છે. રતન ટાટાના પાર્થિવ દેહને સવારે 10 થી સાંજના 4 વાગ્યા સુધી અંતિમ દર્શન માટે NCPA ખાતે રાખવામાં આવશે. તે પછી, રત્ના ટાટાના પાર્થિવ દેહને NCPAથી નરીમાન પોઈન્ટ ખાતેથી વરલી લઈ જવામાં આવશે, જ્યાં પારસી વિધિ મુજબ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. રતન ટાટાના પારસી રીતિ-રિવાજ પ્રમાણે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.