ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,3 જાન્યુઆરી 2022
સોમવાર.
મુંબઈ સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના દર્દીઓ ઝડપથી વધી રહ્યા છે. મુંબઈમાં કોરોના દર્દીઓની વધતી સંખ્યાને જોતા મુંબઈમાં શાળા ચાલુ રાખવી કે નહીં? આજે તેને લગતો નિર્ણય લેવામાં આવશે. આજે સાંજે મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીઓની બેઠક યોજાવાની છે એવું BMCના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું.
મુંબઈમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો થયો છે. બાળકોને વેક્સિન આપવાનું હજી આજથી શરૂ થયું છે. તેથી વાલીઓને પોતાના બાળકોને સ્કૂલમાં મોકલવામાં કે નહીં તેની ચિંતા સતાવી રહી છે ત્યારે સ્કૂલ ચાલુ રાખવી કે ફરી ઓનલાઈન કરવી તે બાબતે આજે સાંજે મિટિંગ બાદ નિર્ણય લેવામાં આવવાનો છે.
આ દરમિયાન મુંબઈમાં 15 થી 18 વર્ષની વયના બાળકોનું રસીકરણ આજથી શરૂ થઈ ગયું છે. મુંબઈમાં નવ લાખથી વધુ બાળકો રસીકરણ માટે પાત્ર છે. પહેલા એક અઠવાડિયામાં બાળકો પર કોઈ આડ અસર થઈ નથી ને ? તેનું નિરીક્ષણ કર્યા બાદ વૅક્સિનેશન સેન્ટરની સંખ્યા વધારવામાં આવશે. શાળા-કોલેજોમાં પણ બાળકોને રસી આપવાનો પાલિકાનો વિચાર હોવાનું સુરેશ કાકાણીએ જણાવ્યું હતું.
સુરેશ કાકાણીના જણાવ્યા પ્રમાણે પાલિકા વેક્સિનેશન બાદ મોનિટરિંગ ચાલુ રાખશે. 28 દિવસમાં મુંબઈમાં 9 લાખથી વધુ પાત્ર બાળકોનું રસીકરણ પૂર્ણ કરવાનું આયોજન પાલિકાએ રાખ્યું છે. બાળકોના રસીકરણ માટે મુંબઈમાં નવ જમ્બો કોવિડ સેન્ટરમાં વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં બાળકોને બે ડોઝ વચ્ચે 28 દિવસના અંતર સાથે કોવેક્સીન રસી આપવામાં આવે છે.