ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,30 જુલાઈ 2021
શુક્રવાર
ફક્ત બે મહિનામાં જ મુંબઈમાં ચોમાસાનો સરેરાશ 93 ટકા વરસાદ પડી ચૂક્યો છે. તો મુંબઈને પાણી પૂરું પાડનારા સાતેય જળાશયોમાં પણ 73.86 ટકા જેટલો પાણીનો સ્ટોક જમા થઈ ગયો છે. જે મુંબઈને 277 દિવસ ચાલે એટલો છે. ચોમાસાના હજી બે મહિના બાકી હોઈ આગામી દિવસમાં તમામ જળાશયો છલકાઈ જશે એવો વિશ્ર્વાસ મુંબઈ પાલિકાના પાણી પુરવઠા ખાતાએ વ્યક્ત કર્યો છે.
મુંબઈને પાણી પૂરું પાડનારા તમામ જળાશયોમાં હાલ 10,69,000 મિલિયન લિટર જેટલો પાણીનો સ્ટોક જમા થઈ ગયો છે. જે સરેરાશ 73.86 ટકા છે. ગયા વર્ષની સરખાણીમાં આ વર્ષે જળાશયોમાં બે મહિનામાં જ મોટા પ્રમાણમાં પાણીનો સ્ટોક જમા થયો છે. ગયા વર્ષે જ આ સમયે જળાશયોમાં માત્ર 4,93,675 મિલિયન લિટર જેટલો પાણીનો સ્ટોક હતો. તેને પગલે ઓગસ્ટ 2020 માં મુંબઈમાં પાણી કાપ મૂકી દેવામાં આવ્યો હતો.
આ વર્ષે પણ જુલાઈના પહેલા અઠવાડિયા સુધી જળાશયો ખાલી જ હતા. જુલાઈના બીજા અઠવાડિયાથી મુંબઈ સહિત થાણેમાં પડેલા ભારે વરસાદને પગલે તમામ જળાશયોમાં મોટા પ્રમાણમાં પાણી જમા થયું હતું. તથા વિહાર, તુલસી, તાનસા અને મોડક સાગર એમ ચાર જળાશય છલકાઈ ગયા હતા.
મુંબ્રા બાયપાસ રોડનો એક ભાગ તૂટી પડ્યો; સમારકામ માટે આખી લેન બંધ કરતા ટ્રાફિક પર માઠી અસર પડી
અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈને આખુ વર્ષ પાણી કાપ વગર પાણી મળી રહે તે માટે પહેલી ઓક્ટોબરના તમામ જળાશયમા 14,47,363 મિલિનય લિટર જેટલો પાણીનો સ્ટોક હોવો જોઈએ. મુંબઈને પ્રતિદિન 3,850 મિલિયન લિટર જેટલો પાણી પુરવઠો પૂરું કરવામાં આવે છે. હાલ જળાશયોમાં 10,69,000 મિલિયન લિટર જેટલું પાણી છે, તે મુંબઈને 277 દિવસ ચાલે એટલો છે.