ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ફેબ્રુઆરી 2022
બુધવાર.
શિવસેનાનો વિસ્તાર ગણાતા બાંદ્રામાં શિવસેનાની યુવાસેનાના કાર્યકર્તાઓએ ઠેર ઠેર સાંસદ પૂનમ મહાજન ખોવાઈ ગયા હોવાનો બેનર લટકાવી દીધા છે, જે આવતા જતા લોકોમાં કુતૂહલ જમાવી રહ્યું છે. તો આ પ્રકારના હોર્ડિંગ્સને કારણે ભાજપના નેતાઓ ભારે નારાજ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી છે. શિવસેના-ભાજપ વચ્ચે અનેક મુદ્દાઓ પર રાજકીય ઘર્ષણ જોવા મળી રહ્યુ છે. તેમાં પણ આગામી પાલિકાની ચૂંટણી શિવસેનાના યુવા નેતા અને રાજ્યના પર્યટન પ્રધાન આદિત્ય ઠાકરેના નેતૃત્વમાં લડવામાં આવે એવું રાજકીય સ્તરે ચર્ચાઈ રહ્યું છે, ત્યારે શિવસેનાની યુવા સેના પાલિકાની ચૂંટણી ટાણે એક્ટિવ થઈ ગઈ હોવાનું માનવામાં આવે છે. સૌ પહેલા તેઓએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન આવેલા બાંદ્રા વિસ્તારમાં લક્ષ્ય કેન્દ્રિત કર્યું હોવાનું કહેવાય છે.
મુંબઈમાં વધારવામાં આવેલા નવ વોર્ડ શિવસેનાના ગઢમા, વોટબેંકને ફટકો પડવાને ડરે ભાજપનો વિરોધ; જાણો વિગત
હાલ બાંદ્રામાં ઠેર ઠેર ઉત્તર-મધ્ય મુંબઈના સાંસદ અને ભાજપના નેતા પૂનમ મહાજનના ફોટા સાથેના હોર્ડિગ લગાવી દીધા છે.“ તમે આમને જોયા છે કે? સન્માનીય સાંસદ ખોવાઈ ગયા છે“ એવા બેનર શિવસેનાની યુવાસેનાએ લગાડી દીધા છે. બેનરેને કારણે ભાજપ અને શિવસેનાના કાર્યકર્તાઓ ફરી સામ-સામે થઈ જવાની શક્યતા છે.
અહીં ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ શિવસેનાના સાંસદ સંજય રાઉતે ભાજપ યુતી સંદર્ભને લઈને એક વ્યંગચિત્ર દોર્યું હતું, તેની સામે સાંસદ પૂનમ મહાજને શિવસેના માટે અપશબ્દો કહ્યા હોવાનું ચર્ચાય છે. તેની નારાજગી પણ શિવસૈનિકોમાં હતી, તેથી મોકા દેખ ચોકા મારે તેમ શિવસેનાની યુવાસેનાએ તેની દાઝ પૂનમ મહાજન ખોવાઈ ગયા હોવાનો બેનર લગાવીને ઉતારી હોવાનું કહેવાય છે.
શિવસૈનિકોના કહેવા મુજબ સ્થાનિક રહેવાસીઓ સતત ફરિયાદ કરી રહ્યા છે કે ત્રણ વર્ષથી તેમના સાંસદે તેમને મોઢુ બતાવ્યું નથી. લોકોને તે મળતા નથી. વિકાસ કામ કરતા નથી.