News Continuous Bureau | Mumbai
મુંબઈ: વધતા પ્રદૂષણ, ઈંધણના ભાવમાં થતા વધઘટ અને ટ્રાફિક જામ જેવી સમસ્યાઓનો સામનો કરી રહેલા મુંબઈના નાગરિકોને આજે એક મોટા સમાચાર મળ્યા છે. પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે જાહેરાત કરી છે કે, રાજ્ય સરકારે મુંબઈને ગ્રીન ટ્રાન્સપોર્ટનું કેન્દ્ર બનાવવાનું નક્કી કર્યું છે અને આ માટે તેમણે આગામી દિવસોમાં સરકારે અનેક પરિણામલક્ષી પગલાંઓ લેવાનું નક્કી કર્યું છે. મુંબઈ ખાતે વ્હીલ્સ ઓફ ચેન્જ – અન્ડરસ્ટેન્ડીંગ ઈવી એડોપ્શન ફોર મુંબઈઝ ઓટો એન્ડ ટેક્સી ડ્રાઈવર્સ આ કાર્યક્રમમાં ભાગ લેતા જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં ઈ-વાહનોના પ્રસાર, ડ્રાઈવરોનું આર્થિક સશક્તિકરણ અને પર્યાવરણને અનુકૂળ મુંબઈની કલ્પના પર ચર્ચા કરવામાં આવી. પોતાના ભાષણમાં તેમણે જણાવ્યું હતું કે “ઈ-વાહન ક્રાંતિ એ માત્ર પરિવહનમાં સુધારો નથી, પરંતુ સ્વચ્છ, સ્વસ્થ અને આર્થિક રીતે સક્ષમ મુંબઈ બનાવવા માટે એક નવી દિશા છે.”
પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈક આ કાર્યક્રમના મુખ્ય અતિથિ હતા. આ પ્રસંગે પરિવહન કમિશનર વિવેક ભીમનવાર, મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સચિવ ડૉ. અવિનાશ ઢાકણે, અને વર્લ્ડ રિસોર્સિસ ઇન્સ્ટીટ્યુટ ના ભારત ખાતેના મુખ્ય કાર્યકારી અધિકારી માધવ પાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રી સરનાઈકે પોતાના સંબોધનમાં જણાવ્યું કે ઓટો અને ટેક્સી ડ્રાઈવરોની સક્રિય ભાગીદારી આ પહેલની સફળતાનો પાયો બનશે. તેમણે એ પણ જણાવ્યું કે ઈ-વાહનો માત્ર પર્યાવરણને અનુકૂળ નથી, પરંતુ તે ડ્રાઈવરોને ઈંધણના ખર્ચમાંથી મુક્તિ અને વધુ આવકની તકો પણ આપે છે. જોકે બીજી તરફ એવી ફરીયાદ ઉઠી છે કે રિક્ષા અને ટેક્સીને ઈ-વિહીકલ ચાર્જીંગ સ્ટેશનની ઉપલબ્ધતા ઘણી ઓછી છે. હવે પ્રશ્ન એ ઉઠે છે કે જો સરકાર ઇન્ફ્રાસ્ટક્ચરમાં સુધાર કરવામાં સમય લગાડે તો આ સ્થિતીમાં અપુરતી સુવિધાના અભાવે લોકો ઈ-વિહીકલને પ્રાથમિકતા નહીં આપી શકે.