ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,20 જાન્યુઆરી 2022
ગુરુવાર.
પાલઘરમાં ડેવલપરોને પ્રોજેક્ટ અધવચ્ચે બંધ કરવું ભારે પડયું છે. રોકાણકારોને પૈસા પાછા કરવાની નોબત તેમના પર આવી છે. લોકો પાસેથી એડવાન્સમાં પૈસા લીધા બાદ પણ પ્રોજેક્ટ પૂરો થઈ શક્યો નહોતો. તેથી ફ્લેટ બુક કરનારાઓએ પોતાની રકમ પાછી માગ્યા બાદ પણ ડેવલપરો તૈયાર નહોતા. છેવટે ફ્લેટ બુક કરનારાઓએ લાંબી કાનૂની લડત લડી હતી, જેમાં સુપ્રીમ કોર્ટે તેમની તરફેણમાં ચુકાદો આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ પૂરો બનાવ પાલઘર પોલીસ સ્ટેશને નોંધાયો હતો. પાલઘર પોલીસ સ્ટેશનમાં આ કેસ સંદર્ભમાં ચાર એફઆઈઆર નોંધાઈ હતી. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ પાલઘર(પૂર્વ)માં સેન્ટ જોન ફાર્મસી કોલેજની નજીક મનોર-માહિમ રોડ વેવુર રોડ પાસે જાણીતા ડેવલપરે પ્રોજેક્ટ હાથમાં લીધો હતો. અનેક લોકોએ તેમાં ફ્લેટ બુક કર્યા હતા, જેમાં 13 જૂન 2012ના લોકોએ ડેવલપરને ચેકથી પેમેન્ટ કર્યું હતું. ચેકની સામે ડેવલપરે બુકિંગના ડોક્યુમેન્સ આપ્યા હતા અને 24 મહિનામાં ફ્લેટનું પઝેશન આપવાનો વાયદો કર્યો હતો.
પેમેન્ટના ચેક લઈને બે વર્ષને બદલે પાંચ વર્ષ બાદ પણ બાંધકામ ચાલુ થયું નહોતું. તેથી ફ્લેટ બુક કરનારાઓની ચિંતા વધી ગઈ હતી. અમુક લોકોએ સાઈટ વિઝિટ કરી ત્યારે બિલ્ડરે બેન્કમાંથી લીધેલી લોનના હપ્તા ન ભર્યા હોવાથી બેન્કે તે બિલ્ડર સામે કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું હતું. તેથી ફ્લેટ બુક કરનારાઓએ ડેવલપર સહિત તેના 10 ભાગીદારો સામે પાલઘર પોલીસમાં ફરિયાદ નોંધાવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે સિવિલ મેટર હોવાનું કહીને ફરિયાદીઓને કોર્ટમાં જવા કહ્યું હતું.
તેથી રોકાણકારોએ પાલઘર સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. સેશન્સ કોર્ટે 2019માં અરજીના ચુકાદામાં આરોપીઓ સામે આઈપીસીની કલમ 156(2) હેઠળ તપાસનો આદેશ સંબંધિત પોલીસ સ્ટેશનને આપ્યો હતો. તેથી પોલીસને એફઆઈઆર નોંધવી પડી હતી.
ફરિયાદીઓના કહેવા મુજબ પોલીસે નોંધેલી ફરિયાદને આરોપીઓએ બોમ્બે હાઈ કોર્ટમાં પડકારી હતી. ફરિયાદીઓએ પોતાની બાજુ રાખતા કોર્ટે બિલ્ડરોની અરજી ફગાવી દીધી હતી. તેથી આરોપીઓએ બીજી વખત હાઈ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજી પણ કોર્ટે ફગાવી દેતા આરોપીઓ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. જોકે અહીં ફરિયાદીઓએ તમામ પુરાવા સાથે પોતાની બાજુ મુકતા સુપ્રીમ કોર્ટે આરોપીઓની અરજી ફગાવી દીધી હતી. આ ચુકાદા સામે આરોપીઓએ ફરી અરજી કરી હતી જેની સામે સુપ્રીમ કોર્ટે 16 ડિસેમ્બર 2021ના આરોપીઓને બે અઠવાડિયાની અંદર પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કરવાનો આદેશ આપ્યો હતો.
આ પ્રોજેક્ટમાં ફ્લેટ બુક કરનારા લોકોના કહેવા મુજબ ગ્રાઉન્ડ પ્લસ ચાર માળાની કુલ 15 બિલ્ડિંગનું બુકિંગ ડેવલપરોએ 2012માં ચાલુ કર્યું હતું. અનેક લોકોએ તેમાં ફ્લેટ બુક કર્યા હતા. પરંતુ બિલ્ડિંગનું કામ પૂરું થયું જ નહીં તેથી લોકોને તેઓ છેતરાયા હોવાનું જણાયું હતું. તેથી રકમ પાછી મેળવવા પોલીસ સ્ટેશન અને કોર્ટમાં ગયા હતા.
મુંબઈમાં જુદા જુદા કામને આડે આવી રહેલા આટલા વૃક્ષોની થશે કતલ; જાણો વિગત
ફરિયાદીઓના કહેવા મુજબ અત્યાર સુધી 67 લોકોએ આ બિલ્ડરો સામે નિવેદન નોંધાવ્યા છે. કન્ઝ્યુમર અને રેરા કોર્ટના ઓર્ડર પણ બિલ્ડર સામે આવ્યા હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નહોવાનું ફરિયાદીઓનું કહેવું છે. અમુક બિલ્ડિંગ થોડી ઘણી તૈયાર છે અને તેનું પઝેશન આપવાની ચર્ચા ચાલી રહી હોવાનું ફરિયાદીઓનું કહેવું છે. પરંતુ પ્રોજેક્ટના પ્લાનમાં નોંધાવેલી એમેનિટીઝી પૂરી નથી કરી એટલે ઓક્યુપેશન સર્ટિફિકેટ મળે એવી શકયતા નથી. તેથી બુકિંગ રકમ વ્યાજ સાથે પાછી કરવાની માગણી ફરિયાદીઓ દ્વારા કરવામાં આવી રહી હોવાનું પણ કહેવાય છે.
આ પ્રોજેક્ટમાં કરોડો રૂપિયા અટવાયેલા હોવાથી પાલઘરની ઈકોનોમિક્સ ઓફેન્સ વીંગ પણ આ કેસની તપાસ કરી રહી છે. ઈકોનોમિક્સ ઓફેન્સ વીંગના અધિકારીના કહેવા મુજબ ડેવલપરોએ 275 લોકો પાસેથી બુકિંગ રકમ લીધી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. કોર્ટના આદેશ બાદ ડેવલપર સરન્ડર થયા છે. તેમાંથી ત્રણ આરોપીને જામીન મળ્યા છે. બાકીના કસ્ટડીમાં છે. આ પ્રોજેક્ટમાં રોકાણ કરનારાઓ પોલીસ હજી નિવેદન નોંધી રહી હોવાનું પણ જાણવા મળ્યું હતું.