ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 નવેમ્બર, 2021
શુક્રવાર
BMC દ્વારા ફૂડ ટ્રકને મફતમાં આપવાની યોજનાનો મુદ્દો ઉકેલાયો છે. હવે વિદ્યાર્થીઓ માટે મોબાઈલ લાઈબ્રેરી ચલાવવાનું આયોજન પાલિકા કરી રહી છે. ભાયખલા અને મઝગાંવ સમાવિષ્ટ ઇ-વોર્ડે સૂચિત યોજના હેઠળ ચાર વાહનો ખરીદવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે. જે આવતા વર્ષની શરૂઆતમાં શરૂ થશે. પાલિકાના આસિસ્ટન્ટ કમિશનર મનીષ વલાંજુએ મીડિયાને જણાવ્યું હતું કે પ્રોજેક્ટની કુલ કિંમત લગભગ રૂ. 2 કરોડ છે. જેમાં પ્રત્યેક વેનનો ખર્ચ રૂ. 45 લાખ છે.
ગયા મહિને જ BMCએ ફૂડ ટ્રકના વિતરણની યોજના પર રોક લગાવી દીધી હતી. જેમાં પાલિકાના કમિશનર ઇકબાલ સિંહ ચહલે આયોજન વિભાગના અધિકારીઓને તેના માટે એક વ્યાપક નીતિ ઘડવાનો નિર્દેશ આપ્યો હતો. ચહલે અધિકારીઓને ફૂડ ટ્રકને મંજૂરી આપવા માટે ટ્રાફિક વિભાગ પાસેથી એનઓસી મેળવ્યા પછી શહેરભરમાં 50 સ્થળોને શોર્ટલિસ્ટ કરવાનો આદેશ પણ આપ્યો હતો.
Paytmમાં રોકાણ કરનારા દિવસો સારા આવશે? આ દિગ્ગજ કંપનીઓએ Paytmમાં કર્યું રોકાણ; જાણો વિગત
ભાયખલાના સેનાના કોર્પોરેટર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ યશવંત જાધવે તેમના મતવિસ્તાર માટે 5 કરોડ રૂપિયામાં 30 ફૂડ ટ્રક પહેલેથી જ ખરીદી લીધા છે. આયોજન વિભાગના 8 ઓક્ટોબરના પરિપત્રની ટીકા કરતા જાધવે કહ્યું હતું કે વર્ષ 2019 થી તેમના મતવિસ્તારમાં ફૂડ ટ્રકનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન ઇ-વોર્ડે જાધવની માગણી બાદ હવે મોબાઇલ લાઇબ્રેરીના વિતરણ માટે માર્ગદર્શિકા નક્કી કરવા આયોજન વિભાગને પત્ર લખ્યો છે.
યશવંત જાધવે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આ એક શૈક્ષણિક પહેલ છે અને લાઇબ્રેરી વેન આર્થિક રીતે પછાત વર્ગના લોકો માટે ફાયદાકારક રહેશે.આનાથી હજારો વિદ્યાર્થીઓને ફાયદો થશે કારણ કે અમે શાળા અને કોલેજના પાઠ્યપુસ્તકો સિવાય UPSC અને MPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ સાથે સંબંધિત પુસ્તકો રાખીશું. વિપક્ષે શિક્ષણનું રાજનીતિકરણ ન કરવું જોઈએ.
ઘણા લોકોએ આ પગલાને વોટ આકર્ષવા માટેનો ખેલ ગણાવ્યો છે. જ્યારે ફૂડ ટ્રકનો ખેલ નિષ્ફળ ગયો, ત્યારે જાધવ મોબાઈલ લાઈબ્રેરી સ્કીમ લઈને આવ્યા. તેવી ટિપ્પણી ભાજપના કોર્પોરેટર વિનોદ મિશ્રાએ કરી હતી.