ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 જૂન 2021
શનિવાર
વેક્સિનેશન ઝડપી બનાવવા શહેરોની હાઉસિંગ સોસાયટીઓમાં વેક્સિનેશન કૅમ્પ રાખવાની સ્થાનિક પાલિકાઓ દ્વારા હિમાયત કરવામાં આવી રહી છે. એથી થાણેની અનેક હાઉસિંગ સોસાયટીઓ દ્વારા તેમને ત્યાં વેકિસનેશન કૅમ્પ રાખવાની માગણી કરવામાં આવી હતી. જેને થાણે મહાનગરપાલિકા મચક આપતી નથી એવી ફરિયાદો થઈ રહી છે.
થાણેની એક હાઉસિંગ સોસાયટીએ તેમના પરિસરમાં વેક્સિનેશન કૅમ્પ રાખવાની માગણી કરી હતી, જેને થાણે મહાનગરપાલિકાએ ઠુકરાવી દીધી હતી. એની સામે તેઓએ શિવસેનાની શાખામાં વેક્સિનેશન કૅમ્પ રાખવાની મંજૂરી આપી હતી. એવો આરોપ થાણેના ભાજપના નગરસેવક નારાયણ પવારે કર્યો છે.
કોરોનાની વેક્સિનને લઈને પણ હવે રાજકીય રમત રમવામાં આવી રહી છે. શહેરમાં ફક્ત શિવસેના જ વેક્સિનેશન કૅમ્પ કરી રહી છે એવું લોકો સમક્ષ પિક્ચર ઊભું કરવામાં આવી રહ્યું હોવાનો આરોપ પણ નગરસેવકે કર્યો હતો.
અહીં ઉલ્લેખનીય છે કે સ્થાનિક નાગરિકો દ્વારા થાણે પાલિકાને તેમની હાઉસિંગ સોસાયટીમાં કૅમ્પ રાખવાની સતત વિનંતી કરવામાં આવી રહી છે. છતાં થાણે પાલિકા ફક્ત ખાનગી હૉસ્પિટલોને સોસાયટીઓમાં વેક્સિનેશનન કૅમ્પ રાખવાની મંજૂરી આપી રહી છે. આ બાબતે નગરસેવક નારાયણ રાણેએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સહિત, થાણેના મેયર, થાણે પાલિકા પ્રશાસનને ફરિયાદ પણ કરી હતી. છતાં તેમની માગણી પ્રત્યે દુર્લક્ષ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ શિવસેનાની શાખાઓમાં થાણે પાલિકા દ્વારા વેક્સિનેશન કૅમ્પ કરવામાં આવી રહ્યા છે એવી નારાજગી પણ તેમણે વ્યક્ત કરી હતી.