ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
18 જાન્યુઆરી 2021
કહેવાય છે કે ચોરનારની ચાર આંખો હોય છે. મુંબઈ નજીક આવેલા ઠાણે માં એક અજબ ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઠાણેમાં એક ભેજાબાજ ચોરે ચોરી કરવા માટે અનોખી તરકીબ અપનાવી છે. જેને જાણી પોલીસ અને લોકો અચંબિત રહી ગયા છે.
રવિવારે ઠાણેની એક જ્વેલેરી શોપમાં ચોર ત્રાટક્યા હતા. ચોર બાજુમાં અડીને આવેલી દુકાનમાંથી બાકોરું પાડીને ઘૂસ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું. પોલીસે તપાસ કરતા દુકાન માલિકે તેની દુકાન બે મહિના પૂર્વે જ ભાડે આપી હોવાનું જણાયું.
પસૂત્રોના જણાવ્યા પ્રમાણે શનિવારે મધરાતે બે થી અઢી વાગ્યા વચ્ચે વર્તક નગર વિસ્તારમાં આવેલી જ્વેલરની દુકાનમાં ચોરી થઈ હતી. પોલીસ તપાસમાં જણાયું કે ચોરીના ઈરાદા સાથે જ જ્વલેરની બાજુમાં બે મહિના પહેલા આ દુકાન ભાડે રાખવામાં આવી હતી. ચોરે દુકાન માલિકને મહિને 28,000 નું તોતિંગ ભાડું આપીને ફ્રૂટની દુકાન શરૂ કરી હતી. જોકે દુકાન માલિકને આ અંગે પૂછતા તેની પાસે ભાડુઆતની કોઈ વિગતો મળી નહતી. માત્ર મોટા ભાડાની લાલચમાં દુકાન માલિકે ફ્રુટવાળાને દુકાન ભાડે આપી દીધી હતી.
રવિવારે જ્યારે સવારે જ્વેલરી શોપના માલિકે દુકાન ખોલી ત્યારે બાજુની દુકાનમાંથી બાકોરું પાડીને ચોરી થઈ હોવાનું જણાયું હતું. જો કે જ્વેલેરી શોપમાંથી કેટલી કિંમતના સામાનની ચોરી થઈ છે તેનો હજી સુધી અંદાજો મળી શક્યો નથી. શંકાના આધારે પોલીસે બાજુમાં આવેલી દુકાનના માલિકની પૂછપરછ માટે અટકાયત કરી હોવાનું જણાવ્યું હતું. આમ પહેલો સગો પાડોશી ભલે કહેવાતું હોય પંરતુ એ ધ્યાનમાં રાખવું આએટલું જ જરૂરી છે કે આપણો પાડોશી કોણ છે.
