ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 ઑક્ટોબર, 2021
મંગળવાર
કોરોનાની પહેલી લહેર ઓસરી ગયા બાદ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મુલુંડમાં કોરોનાની ભવ્ય હૉસ્પિટલ બાંધવાની જાહેરાત કરી હતી. અંદાજે 12 હજાર કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટ માટે પાલિકાએ ટેન્ડર મગાવ્યાં હતાં, પરંતુ ગત કેટલાક મહિનાથી જગ્યાના વિવાદને કારણે આ પ્રસ્તાવ રખડી પડ્યો છે. એથી હવે અન્ય જગ્યા સહિત સેવન હિલ્સ હૉસ્પિટલ વેચાતી લેવાના પર્યાય પર રાજ્ય સરકાર વિચારી રહી છે.
આ પાંચ હજાર બેડ ધરાવતી હૉસ્પિટલના પ્રોજેક્ટ માટે અંદાજે 2100 કરોડ રૂપિયાની જગ્યા શ્વાસ બિલ્ડર પાસેથી વેચાતી લેવાનો પ્રસ્તાવ મહાપાલિકા કમિશનર ઈકબાલ ચહલે રાજ્ય સરકારને મોકલ્યો હતો, પરંતુ બિલ્ડરના મુખ્ય પ્રધાન સાથે સંબંધ હોવાથી આ કરોડો રૂપિયાનો ગેરવ્યવહાર હોવાનો આરોપ ભાજપના નેતા કિરીટ સોમૈયાએ કર્યો હતો. કબજા અધિકારથી આપેલી શાસકીય જમીન માલિકી હક્કમાં રૂપાંતરિત કરીને એ હૉસ્પિટલ માટે વેચાઈ રહી હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે.
આ બાબતે તપાસ પ્રલંબિત હોવાથી મુલુંડની જગ્યાનો પ્રસ્તાવ રદ કરવામાં આવ્યો છે. ત્યાર બાદ હૉસ્પિટલ બાબતે કોઈ પણ નિર્ણય લેવાયો નથી. મુંબઈ ભાજપના પ્રભારી અને MLA અતુલ ભાતખળકરે જણાવ્યું હતું કે આ સરકાર પોતાની મરજીના બિલ્ડરને લાભ આપવા માટે આવું કરી રહી છે, જેનો ખુલાસો ભાજપે કર્યો છે.
આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ આ વિશે જણાવ્યું હતું કે હૉસ્પિટલ ક્યાં બંધાશે એ નક્કી થયું નથી. જુદા જુદા પર્યાયો ઉપર ચર્ચા શરૂ છે.