ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,8 જૂન 2021
મંગળવાર
મુંબઈના હવામાન વિભાગે ટ્વીટ કરીને જણાવ્યું છે આવનારા પાંચ દિવસમાં હવામાન બગડે એવી કડક ચેતવણી આપી છે. કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રના ઘાટી વિસ્તારોમાં 10 જૂનથી ધોધમાર વરસાદ થવાની આશંકા વ્યક્ત કરી છે. એને કારણે મુખ્ય પ્રધાન ઠાકરેએ સોમવારે આદેશો પણ આપ્યા છે કે પ્રશાસન સચેત રહે. કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય પ્રશાસનને તૈયાર રહેવાનો આદેશ આપવામાં આવ્યોછે.
મુખ્ય પ્રધાનના કાર્યાલયે જારી કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ-19થી પીડિત તથા અન્ય દર્દીઓની સારવારમાં કોઈ પણ વિઘ્ન ન આવવું જોઈએ. સમુદ્ર સ્તરથી નિચાણવાળા વિસ્તારો, જર્જરિત મકાનો અને ભેખડ ધસી પડતી હોય એવી જગ્યાએ રહેતા લોકોને સુરક્ષિત સ્થળે મોકલવાનો આદેશ આપ્યો છે. મુખ્ય પ્રધાને રાજ્યના પાલકપ્રધાનોને જિલ્લાના ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સાથે મિટિંગ કરવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે મુંબઈ અને કોંકણ વિસ્તારમાં 9 જૂનથી 12 જૂન વચ્ચે ભારે વરસાદની આગાહી છે. કોઈ પણ અણબનાવનો સામનો કરવા પોતાને તૈયાર રાખવા.
દક્ષિણ ભારતનાં રાજ્યોમાં વરસીને હવે દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન મહારાષ્ટ્ર અને પૂર્વોત્તર પહોંચી ગયો છે. મુંબઈમાં પણ વરસાદે પધરામણી કરી દીધી હોય એવું લાગે છે. આગળ આ પધરામણી જોરદાર હશે અને મુંબઈમાં આ વખતે સારો વરસાદ થશે એવો વરતારો છે. પશ્ચિમ અને મધ્ય મહારાષ્ટ્રના લોકો માટે આ અઠવાડિયું પડકારભર્યું હોઈ શકે છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી પવન સાથે ભારે વરસાદની ચેતવણી આપી છે.
મહારાષ્ટ્રમાં ચોમાસું બેસી ગયું છે અને 30 ટકા કરતાં વધુ ભાગમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. દક્ષિણ-પશ્ચિમી હવા તેજ થઈ ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે કોંકણ અને ઘાટોમાં ભારે વરસાદ થઈ શકે છે. મુશળધાર વરસાદ સાથે વાદળોનો ગડગડાટ અને 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.