ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧ જૂન ૨૦૨૧
મંગળવાર
એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના શનિવારે કલવા રેલવે સ્ટેશન પર બની હતી. એક ૩૫ વર્ષીય મહિલાનો ફોન એક શખ્સે છીનવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ચોર સાથે થયેલી ઝડપમાં મહિલા ચાલતી ટ્રેનમાંથી નીચે પડી ગઈ હતી અને એ જ ક્ષણે તેનું મોત નીપજ્યું હતું. ડોમ્બિવલીની રહેવાસી આ મહિલા વિદ્યા પાટીલ 10 વર્ષથી ઓછી વયની ત્રણ પુત્રીની માતા હતી.
પોલીસે મીડિયાને જણાવ્યા મુજબ, આ મહિલા અંધેરીની એક ખાનગી ઑફિસમાં નોકરી કરતી હતી. શનિવારે સાંજે તે કુર્લાથી લોકલ ટ્રેનમાં ચડી હતી, જ્યારે તેની ટ્રેન કલવા સ્ટેશને પહોંચી ત્યારે આરોપી મહિલાના ડબ્બામાં સવાર થઈ ગયો હતો. ટ્રેન ચાલુ થતાં આરોપીએ પાટીલનો ફોન છીનવી લીધો હતો અને નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ મહિલા અને આરોપી વચ્ચે થયેલી ખેંચતાણમાં મહિલા ચાલતી ટ્રેનમાંથી નીચે પડી ગઈ હતી અને દુર્ભાગ્યે એ જ સમયે પ્લૅટફૉર્મ પૂરું થતાં તે સીધી પૈડાંમાં આવી જતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.
ઉલ્લેખનીય છે કે રવિવારે મુમ્બ્રા રેલવે સ્ટેશન નજીક આરોપીને CCTV ફૂટેજના આધારે ઓળખી તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી વિરુદ્ધ કલમ 3૦4 અને 397 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે.