ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૩૦ જુલાઈ, ૨૦૨૧
શુક્રવાર
મુંબઈમાં સતત વર્તાતી વેક્સિનની અછતને કારણે હવે ઉત્તર મુંબઈના ભાજપના સાંસદ ગોપાલ શેટ્ટીએ હવે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને પત્ર લખી મુંબઈને વેક્સિનનો વધુ પુરવઠો આપવાની વિનંતી કરી છે. પત્રમાં રાજ્ય સરકાર પર શાબ્દિક હુમલો કરતાં તેમણે લખ્યું છે કે રાજ્યમાં વેક્સિનના પુરવઠાની વહેંચણી કરવાની જવાબદારી રાજ્ય સરકારની છે, પરંતુ રાજ્ય સરકાર મુંબઈને જરૂરી પુરવઠો આપવામાં નિષ્ફળ નીવડી છે.
સાંસદ ગોપાલ શેટ્ટીએ આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણને એક વિસ્તૃત પત્ર લખ્યો છે, જે મુંબઈ શહેરમાં રસીકરણ અભિયાનની વાસ્તવિક પરિસ્થિતિ દર્શાવે છે. પત્રમાં જણાવાયું છે કે મુંબઈમાં બે કરોડની વસ્તી છે અને 18 વર્ષથી વધુ ઉંમરના 50% નાગરિકો રસીના બીજા ડોઝ માટે પાત્ર છે, પરંતુ રસીની ઓછી ઉપલબ્ધતાને કારણે માત્ર 15થી 20% લોકોને જ રસી આપવામાં આવી છે. મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન દરેક રસીકરણ કેન્દ્રમાં દરરોજ 100 ડોઝ મોકલી રહ્યું છે. હકીકતમાં, વસ્તીની દૃષ્ટિએ મુંબઈને ખૂબ જ ઓછા ડોઝ મળે છે.
ગોપાલ શેટ્ટીએ ઉમેર્યું છે કે “હું સંપૂર્ણ રીતે જાણું છું કે રસીકરણ એ રાજ્ય સરકારની એકમાત્ર જવાબદારી છે,પરંતુ હું આરોગ્ય મંત્રાલય અને કેન્દ્ર સરકારને વિનંતી કરું છું કે આપ સ્વયં ધ્યાન આપીને મુંબઈ શહેર માટે રસીનો પૂરતો ડોઝ સુનિશ્ચિત કરો જેથી બધા પાત્ર મુંબઈગરાને રસી આપી શકાય.