ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૬ જુલાઈ, ૨૦૨૧
સોમવાર
કારને કટ મારી ત્રણ વ્યક્તિઓએ સ્કોર્પિયોનો રસ્તો રોકી ડ્રાઇવરને માર માર્યો હોવાની ઘટના ત્રણ દિવસ પહેલાં મુંબઈ-અમદાવાદ હાઇવે પર ધોધમાર વરસતા વરસાદ વચ્ચે બની હતી. કારના ચાલકે ટ્વિટર પર આ ઘટનાનો લાઇવ વીડિયો શૅર કર્યો હતો, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના 23 જુલાઈના રોજ સવારે 10 વાગ્યે મુંબઈ-અમદાવાદ હાઇવે પર વસઈના સતીવલી પાસે બની હતી. પીડિત કારચાલકનું નામ હર્ષદ પંચાલ છે. હવે આ મામલે વાલીવ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ આરોપીની શોધ કરી રહી છે.
વીડિયોમાં દેખાય છે કે હર્ષદ પંચાલ પોતાની મહિન્દ્રા સ્કોર્પિયો કારમાં અમદાવાદ તરફ જઈ રહ્યો હતો. વરસાદ હોવાને કારણે તેમની કાર દ્વારા એક અર્ટિગા કારને કટ લાગી હતી. તેને કારણે અર્ટિગાના ત્રણ શખ્સોએ પંચાલની કારનો પીછો કર્યો હતો. ત્યારબાદ તેણે આડી કાર ફેરવી અને પહેલા હર્ષદ પંચાલનું અપમાન કર્યું. આઘાતજનક બાબત એ છે કે ત્રણમાંના એક શખ્સે પંચાલની સ્કોર્પિયોની વિન્ડશિલ્ડ તોડી નાખી હતી. ત્યાર બાદ પંચાલ સાથે મારપીટ કરી આરોપીઓ ભાગી છૂટ્યા હતા.
ઉલ્લેખનીય છે કે હર્ષદ પંચાલે મોબાઇલમાં આ ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો. ટ્વિટર પર આ ઘટનાનો વીડિયો શૅર કરતાં તેમણે મુખ્ય પ્રધાન કાર્યાલય, વડા પ્રધાન કચેરી, મહારાષ્ટ્ર DGP, પાલઘર પોલીસ, નવી મુંબઈ પોલીસની મદદ માગી હતી.