ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 જુલાઈ 2021
સોમવાર
મુંબઈની ભૌગોલિક પરિસ્થિતિને પગલે થોડા વરસાદમાં પણ પાણી ભરાઈ જતાં હોય છે. તેથી પાણી ભરાવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ બ્રીમસ્ટોવર્ડ યોજના બનાવી હતી. જેમાં ગટરોને પહોળી કરવી સાથે પાઇપલાઇન વગેરેને પહોળાં કરવાં જેવાં કામ કરવામાં આવ્યાં હતાં. અત્યાર સુધી 3,000 કરોડ રૂપિયાથી પણ વધુ નાણાં ખર્ચી નાખ્યાં છે. છતાં મુંબઈમાં ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા યથાવત્ રહી છે.
તેથી પાલિકાએ હવે લોકલ લેવલ પર પાણી ભરાવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે પ્લાન તૈયાર કરી રહી છે. જેમાં પશ્ચિમ પરાંમાં સાંતાક્રુઝ, અંધેરી, કાંદિવલી, બોરીવલી અને દહિસરમાં લોકલ લેવલે યોજના તૈયાર કરી છે. એ માટે લગભગ 21 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવવાનો છે.
સ્થાનિક વૉર્ડ દ્વારા આ યોજના હાથ ધરાશે. જેમાં વરસાદી પાણીનું વહન કરનારી સ્ટૉર્મ વૉટર ડ્રેનેજ લાઇનને પહોળી કરવામાં આવશે. નાળાંને પહોળાં અને ઊંડાં કરવામાં આવવાનાં છે. એ સિવાય ઍરપૉર્ટ નજીક સહાર કાર્ગો પાસે પાણી ભરાય નહીં એ માટે ત્યાં નાળાની ઊંડાઈ વધારવામાં આવવાની છે. તો દહિસરમાં પાણી ભરાય નહીં એ માટે પરેલ હિંદમાતામાં જે મુજબ વરસાદી પાણીનો સંગ્રહ કરવા અન્ડરગ્રાઉન્ટ ટાંકીઓ બાંધવામાં આવી રહી છે એ મુજબ અહીં પણ ટાંકી બાંધવાનો પાલિકાનો વિચાર છે.