ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 ઑક્ટોબર, 2021
શુક્રવાર
દિવાળી દરમિયાન મલાડથી બોરીવલી વચ્ચે પ્રવાસ કરવો મુંબઈગરા માટે માથાનો દુખાવો બની જવાનો છે. મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મલાડમાં એસ. વી. રોડ પર MTNL નજીક અને મહારાજા ઍપાર્ટમેન્ટની પાસે નાળાનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. આ નાળું એસ. વી. રોડ નીચેથી પસાર થાય છે. બ્રિટિશરોના જમાનાનું આ નાળું જર્જરિત થઈ ગયું છે. અનેક પ્રકારના લીકેજ છે. એથી ચોમાસું પૂરું થવાની સાથે જ પાલિકાએ આ નાળાનું સમારકામ હાથમાં લીધું છે. એ માટે રસ્તાને ખોદવામાં આવવાનો છે. એને પગલે ટ્રાફિક ડિપાર્ટમેન્ટે મલાડથી ઉત્તર દિશામાં એટલે કે કાંદિવલી જતાં વાહનો માટે મલાડ-વેસ્ટમાં પેટ્રોલ પમ્પ સિગ્નલથી માર્વે રોડ સિગ્નલ સુધીનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. એથી ગોરેગામ તેમ જ મલાડ સબવે તરફથી આવતાં વાહનોને મામલતદાર વાડી થઈને લિબર્ટી ગાર્ડનના રસ્તે રામચંદ્ર લેન તેમ જ માર્વે રોડ તરફ વાળવામાં આવ્યાં છે. જોકે માર્વે રોડ બાદ ટ્રાફિકને ફરી એસ. વી. રોડ પર વાળવામાં આવ્યો છે.
મુંબઈ પરાનાં સ્ટેશનો પર ગરદુલાઓનો ત્રાસ વધ્યો; અઢી વર્ષમાં આટલા ગરદુલા પકડાયા
જોકે આટલા પટ્ટામાં રહેલા ટ્રાફિકને ડાઇવર્ટ કરવાને પગલે ટ્રાફિક પોલીસની સાથે જ વાહનચાલકો અને સ્થાનિક નાગરિકો પણ પરેશાન થઈ ગયા છે. બ્રેક ધ ચેઇન હેઠળ તમામ નિયંત્રણો હળવાં કરવામાં આવ્યાં છે. ઑફિસ પણ પૂર્વવત્ થઈ ગઈ છે. એથી સવાર-સાંજના પિક અવર્સમાં અહીં ભયાનક ટ્રાફિક રહેતો હોય છે. ખાસ કરીને એસ. વી. રોડથી ઝકરિયા રોડ પર ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે. એમાં હવે પાછું આ ડાઇવર્ઝન આપવામાં આવ્યું છે, એને કારણે વાહનચાલકોને અહીં વાહન ચલાવવું માથાનો દુખાવો બની ગયો છે.
પાલિકાને એસ. વી. રોડ પર રસ્તાની નીચે રહેલા આ નાળાના કામ માટે લગભગ 15 મહિનાનો સમય લાગવાનો અંદાજ છે. આ કામ લગભગ ડિસેમ્બર 2022 સુધીમાં પૂરું થવાનું છે. એથી આગામી 15 મહિના ગોરેગામથી કાંદિવલી સુધીનો બાયરોડ પ્રવાસ વાહનચાલકો માટે કાંટાળો પ્રવાસ બની જવાનો છે.