News Continuous Bureau | Mumbai
Mumbai મુંબઈના ગોરેગાંવ પશ્ચિમ વિસ્તારમાં શનિવારની વહેલી સવાર એક પરિવાર માટે કાળ બનીને આવી હતી. અહીંની એક ઈમારતમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા એક જ પરિવારના ત્રણ લોકોના કરુણ મોત નિપજ્યા છે. જ્યારે આ દુર્ઘટના બની ત્યારે આખું શહેર ગાઢ નિદ્રામાં હતું. આગ લાગ્યાની જાણ થતા જ ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.
ઇલેક્ટ્રિક વાયરિંગથી શરૂ થયેલી આગે ધારણ કર્યું વિકરાળ સ્વરૂપ
BMC દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી મુજબ, ગોરેગાંવ પશ્ચિમના ભગત સિંહ નગરની એક ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ઘરમાં વહેલી સવારે આગ લાગી હતી. શરૂઆતમાં આ આગ ઇલેક્ટ્રિક વાયરિંગ અને ઘરવખરીના સામાન પૂરતી મર્યાદિત હતી, પરંતુ જોતજોતામાં તે પહેલા માળ સુધી ફેલાઈ ગઈ હતી. આગની જ્વાળાઓ અને ધુમાડો એટલો પ્રચંડ હતો કે ઘરમાં સૂતેલા લોકોને બહાર નીકળવાની તક પણ મળી નહોતી. સ્થાનિક લોકોએ ડોલ વડે પાણી છાંટી આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ આગ કાબૂ બહાર હતી.
હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તોડ્યો દમ
ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગમાં ફસાયેલા ત્રણ લોકોને બહાર કાઢ્યા હતા અને તેમને તાત્કાલિક જોગેશ્વરીની ટ્રોમા કેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલના ડોક્ટરોએ તપાસ બાદ ત્રણેયને મૃત જાહેર કર્યા હતા. ડોક્ટરોના જણાવ્યા મુજબ, હોસ્પિટલ લાવવામાં આવ્યા તે પહેલા જ ગૂંગળામણ અને દાઝી જવાને કારણે તેમનું મોત થઈ ચૂક્યું હતું. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Devendra Fadnavis Conspiracy: મહારાષ્ટ્ર રાજકારણમાં મોટો ભૂકંપ! ફડણવીસ અને શિંદેને જેલમાં ધકેલવાનું હતું કાવતરું? પૂર્વ DGP સંજય પાંડે સામે કેસની ભલામણ
મૃતકોની ઓળખ અને આગનું અકબંધ કારણ
આ કમનસીબ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ થઈ ગઈ છે. મૃતકોમાં 48 વર્ષીય સંજોગ પાવસ્કર, 19 વર્ષીય હર્ષદા પાવસ્કર અને માત્ર 12 વર્ષનો કુશલ પાવસ્કર સામેલ છે. એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી પડોશીઓ પણ હબકી ગયા છે. મુંબઈ અગ્નિશમન દળે અત્યારે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો છે, પરંતુ આગ શોર્ટ સર્કિટથી (Short Circuit) લાગી કે અન્ય કોઈ કારણસર, તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસ અને ફાયર વિભાગ અત્યારે આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે.