ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 જાન્યુઆરી 2022
શુક્રવાર
કોરોના રોગચાળાએ વિશ્વભરમાં કાળો કેર વર્તાવ્યો છે. એક બાજુ આ રોગથી સુરક્ષિત રહેવા વિશ્વના દેશો લોકોનું ઝડપથી રસીકરણ કરાવી રહ્યા છે, ત્યારે બીજી બાજુ કોરોનાથી જોડાયેલી એક મોટી સમસ્યા ધીમે-ધીમે વધી રહી છે અને એ સમસ્યા છે, કોવિડ રસીનું નકલી સર્ટિફિકેટની. તાજેતરમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે કોરોના વેક્સિનેશનના નકલી પ્રમાણપત્રો બનાવતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. ગોરેગાંવ વિસ્તારમાં એક મોટું ઓપરેશન હાથ ધરીને ક્રાઈમ બ્રાન્ચની ટીમે બે આરોપીઓની ધરપકડ કરી છે. ઉચ્ચ અધિકારીઓ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ ટોળકી રસીના બંને ડોઝના નકલી પ્રમાણપત્રો આપતી હતી જેમણે રસી લીધી નથી અને તેમને ફેક સર્ટીફિકેટ ના બદલામાં તેમની પાસેથી 1500 રૂપિયા વસૂલતી હતી. ટોળકીનો પર્દાફાશ થયા બાદ ક્રાઈમ બ્રાંચની ટીમ સમગ્ર કેસની તપાસમાં લાગી ગઈ છે.
ગોરેગાંવ પશ્ચિમ વિસ્તારમાં કેટલાક યુવકો કોરોના રસીના બંને ડોઝના નકલી પ્રમાણપત્રો બનાવવાનું કામ કરી રહ્યા છે. આ ટોળકી કોરોના રસીના બંને ડોઝના નકલી પ્રમાણપત્રો બનાવવાના નામે લોકોને છેતરતી હતી. આ સુરાગ મળતાં જ ક્રાઈમ બ્રાન્ચની ટીમે BMCની ટીમ સાથે ગોરેગાંવ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો અને ત્યાંથી બે આરોપીઓની ધરપકડ કરી હતી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી ઘણા બનાવટી નકલી રસીના પ્રમાણપત્રો પણ રિકવર કર્યા છે.
અધિકારીઓએ જણાવ્યું કે આ ગેંગ એવા લોકોને કોરોના રસીના બંને ડોઝના નકલી પ્રમાણપત્રો આપતી હતી જેમણે કોવિડ-૧૯ રસીના ડોઝ લીધા નથી. અત્યાર સુધીમાં આ લોકોએ કુલ ૭૦ થી ૭૫ લોકોને કોરોના વેક્સિનેશનના નકલી પ્રમાણપત્રો વેચ્યા છે. નકલી સર્ટિફિકેટના બદલામાં આ ટોળકી લોકો પાસેથી ૧૫૦૦ રૂપિયા લેતી હતી. ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, નકલી રસીના પ્રમાણપત્રો બનાવવાનો આ ધંધો છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહ્યો હતો. આ કાર્યવાહી બાદ ક્રાઈમ બ્રાન્ચ ટીમ એ જાણવામાં લાગી છે કે આ બે આરોપીઓ સિવાય આ ટોળકીમાં અન્ય કોણ કોણ સામેલ છે અને અત્યાર સુધીમાં આ રીતે નકલી સર્ટિફિકેટ બનાવીને આ ગેંગ દ્વારા કેટલા લોકોને છેતરવામાં આવ્યા છે. હાલ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે.