ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,13 જાન્યુઆરી 2022
ગુરુવાર.
ગોરેગામના નેસ્કો સેન્ટરના કોવિડ કેર સેન્ટરમાં દાખલ થયેલા કોરોનાગ્રસ્ત અમિત સેઠી નામના યુવકે મુંબઈગરાના દિલ જીતી લીધા છે. તેણે દાખવેલી હિંમત અને પાલિકા પ્રશાસનને કરેલી ફરિયાદને પગલે નેસ્કો સેન્ટરમાં સારવાર લઈ રહેલા સેંકડો દર્દી માટે તેમના ક્વોરન્ટાઈનનો સમય પૂરો કરવો હવે સરળ થઈ રહેશે.
કોરોનાના દર્દીઓને મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. પરંતુ મોટાભાગના કોવિડ કેર સેન્ટરની હાલત જોઈને દર્દી સાજો થવાને બદલે ત્યાંની પારાવાર ગંદકી અસ્વચ્છતા જોઈને જ માનસિક આઘાત પામી રહ્યો છે. આવી જ કંઈ હાલત ગોરેગામમાં આવેલા નેસ્કો સેન્ટરની છે.
સોશિયલ પ્લેટફોર્મ ટ્વિટર પર થયેલી ફરિયાદ અને સોશિયલ મીડિયા પર આવેલી તસવીરો મુજબ નેસ્કો સેન્ટર ના શૌચાલયોમાં અસહ્ય ગંદકી હોય છે અને કોવિડ સેન્ટરમાં શ્ર્વાન ફરતા હોય છે. ત્યાંની હાલત જોઈને ત્યાં સારવાર લઈને રહેલા અમિત સેઠી નામના યુવકને પારાવાર આઘાત લાગ્યો હતો. તેણે તુરંત સોશિયલ મિડિયાના માધ્યમથી તેની ફરિયાદ મુંબઈ મનપાને કરતા પ્રશાસન હરકતમાં આવી ગયું હોવાનું ટ્વિટર પર પાલિકાએ કરેલી પોસ્ટ પરથી જણાઈ આવ્યું હતું.
Hello sir @amit_sethi, we regret your experience at our facility. Our entire staff is working 24/7 to ensure a hassle free and safe stay. This was an unfortunate consequence of human error, which has been rectified, and we will strive to ensure that it remains that way. https://t.co/rQknUtDiQI pic.twitter.com/IlpgPUqPvX
— माझी Mumbai, आपली BMC (@mybmc) January 12, 2022
મોટાભાગના સૌમ્ય લક્ષણો ધરાવતા કોરોનાના દર્દીઓને મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. કોવિડ સેન્ટર ખાનગી કોન્ટ્રેક્ટરના માધ્યમથી ચાલી રહ્યા છે. પરંતુ તેની પૂરી જવાબદારી પાલિકાની છે. મોટાભાગના કોવિડ કેર સેન્ટરમાં સફાઈના ખાસ કરીને શૌચાલયમાં પારાવાર ગંદકી હોવાની ફરિયાદ સતત દર્દીઓ કરતા હોય છે. પરંતુ દર્દીઓને સમસ્યાનું નિરાકરણ આવતું નથી અને તેમને પોતાનો ક્વોરન્ટાઈનનો સમય એવા ગંદા માહોલમાં જ પસાર કરવો પડે છે. તેથી મોટાભાગના દર્દીઓ તેમને પાલિકાના ગંદા ગોબરા કોવિડ સેન્ટરમાં કાઢવો પડશે એ ડરે કોરોના થયો હોવાનું છુપાવતા હોય છે અને પોતાની સાથે અન્યના જીવ પણ જોખમમાં મૂકતા હોય છે.
જોકે તાજેતરમાં જ અમિત સેઠી નામના યુવકને કોવિડ થતા તેને ગોરેગામના નેસ્કોના કોવિડ સેન્ટરમાં દાખલ થવું પડયું હતું. કોવિડ સેન્ટરમાં રહેલા ગંદા શૌચાલયો અને અસ્વચ્છતા જોઈને તેને ભારે આઘાત લાગ્યો હતો. દર્દીઓએ ભોજન કર્યા બાદ બચેલી જમવાની થાળીઓ પણ એક જગ્યાએ ઢગલો કરવામાં આવતો હતો. ત્યાં રખડતા કૂતરાઓ ફરી રહ્યા હતા. બાથરૂમમાં લીક્વીડ સોપ નહોતો. બાથરૂમ, શૌચાલય સાફ કરવામાં આવતા નહોતા. પહેલાથી કોવિડને કારણે માનસિક આઘાતનો સામનો કરનારા દર્દીઓને કોવિડ કેર સેન્ટરની આવી હાલત જોઈને વધુ આઘાત લાગતો હોવાની તેણે ફરિયાદ કરી હતી. પાલિકાના કંટ્રોલરૂમના ફોન સતત વ્યસ્ત રહેતા હોવાથી તે ફરિયાદ કરી શક્યો નહોતો.
જોકે અમિત સેઠીએ કોવિડ કેર સેન્ટરની આવી દયનીય હાલત જોઈને ચૂપ નહીં બેસવાનો નિર્ણય લીધો હતો. તેણે ઉપરાઉપરી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર નેસ્કોના શૌચાલયમાં રહેલી ગંદકીના તેમ જ શ્વાન ત્યાં ફરી રહ્યા હોવાના અનેક ફોટા નાખ્યા હતા. તેણે પાલિકાને સોશિયલ મીડિયા પર ફોટો સાથે કરેલી ફરિયાદને પગલે પાલિકા પ્રશાસન હરકતમાં આવી ગયું હતું.
અમિત સેઠીની ફરિયાદને પગલે પાલિકાએ તાત્કાલિક ધોરણે નેસ્કોના સેન્ટરના શૌચાલયથી લઈને બાથરૂમ સાફ કરાવ્યા હતા. ત્યાં રહેલી અન્ય તકલીફ દૂર કરી હતી. અમિત સેઠીની ફરિયાદને પગલે પાલિકાએ તેને અન્ય કોવિડ કેર સેન્ટરમાં શિફ્ટ કર્યો હતો. અમિત સેઠીએ તેની ફરિયાદ પ્રત્યે ધ્યાન આપીને તાત્કાલિક એક્શન લેવા બદલ પાલિકાનો આભાર માન્યો હતો. જોકે એ સાથે જ તેણે અન્ય દર્દીઓને ત્યાં તકલીફ ના થાય તેનું ધ્યાન રાખવાની અપીલ પણ કરી હતી.