News Continuous Bureau | Mumbai
સૂચિત વર્સોવાથી વિરાર સમુદ્રી પુલ માર્ગ (સી લિંક) હવે પાલઘર સુધી લંબાવવામાં આવશે. મુંબઈ મેટ્રોપોલિટન રિજનલ ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) એ મુખ્યમંત્રીના આદેશ બાદ આ નિર્ણય લીધો છે અને ટૂંક સમયમાં રિપોર્ટ તૈયાર કરવાનું કામ શરૂ કરવામાં આવશે. વર્સોવા-વિરાર સી બ્રિજ પ્રોજેક્ટ અગાઉ રાજ્ય માર્ગ વિકાસ નિગમ (MSRDC) પાસે હતો. પરંતુ હવે આ પ્રોજેક્ટ MMRDAને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. MMRDA આ વર્ષના અંત સુધીમાં મુંબઈમાં ત્રીજી સી લિંક શરૂ કરવાનો પ્રયાસ કરી રહી છે.
પ્રસ્તાવિત દરિયાઈ પુલ પ્રોજેક્ટની કિંમતમાં લગભગ આઠ હજાર કરોડનો વધારો થયો છે. આ પ્રોજેક્ટનો પ્રારંભિક ખર્ચ આશરે 32 હજાર કરોડ હતો. હવે આ ખર્ચ વધીને લગભગ 40 હજાર કરોડ થઈ ગયો છે. MMRDA પુલનું કામ શરૂ કરતા પહેલા MSRDC દ્વારા તૈયાર કરાયેલા અહેવાલોની ચકાસણી કરશે. મૂળ રિપોર્ટનો નવો ઇન્સ્પેક્શન રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. MMRDAએ આ માટે ટેન્ડર બહાર પાડ્યું છે, જેના દ્વારા સલાહકારની નિમણૂક કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો: એશ્યોર કેબ મોટા શહેરો ઉપરાંત 5000થી વધારે તાલુકા અને ગામડાઓ માટે પણ બન્યું કનેક્ટિવિટીનું મોટું સરનામું
વર્સોવાથી પાલઘર સુધી મુંબઈમાં આ ત્રીજી સી લિંક હશે. બાંદ્રા અને વરલી વચ્ચે 5.6 કિમીની સી લિંક 2010માં બનાવવામાં આવી હતી. આ પુલ પરથી દરરોજ હજારો વાહનો અવર-જવર કરે છે. તો બાંદ્રાથી વર્સોવા સુધી 17 કિમી સીલિંકનું કામ ચાલી રહ્યું છે. 8 લેનવાળા યપુલ માટે 11 હજાર 332 કરોડનો ખર્ચ થશે. સરકાર આ ત્રણેય સી લિન્કને જોડવાની યોજના ધરાવે છે.
સરકારે ત્રીજી સી લિંકનું કામ બે તબક્કામાં કરવાનું નક્કી કર્યું છે. પ્રથમ તબક્કો વર્સોવાથી વસઈ અને બીજો તબક્કો વસઈથી વિરાર સુધી ચલાવવાની યોજના હતી. પરંતુ હવે તેને વધારીને પાલઘર લઈ જવામાં આવશે. ડ્રાઇવરોની સુવિધાઓને પણ સંપૂર્ણ રીતે ધ્યાનમાં લેવામાં આવશે. રૂટમાં ચાર કનેક્ટર બાંધવામાં આવશે. બ્રિજ બની ગયા બાદ મુસાફરીનો સમય અડધો થઈ જશે.
આવો હશે સી લિંક
વર્સોવા-પાલઘર રૂટની કુલ લંબાઈ 42.75 કિમી હશે. આ રૂટ પર ચારકોપ, મીરા-ભાઈંદર, વસઈ, વિરાર એમ ચાર કનેક્શન હશે. આ ચારેય જગ્યાએથી દરિયાઈ પુલને જોડવામાં આવશે. આ માર્ગ દરિયા કિનારેથી એક કિલોમીટરનો હશે. અંધેરી પશ્ચિમથી વિરાર આ રૂટ દ્વારા જોડાશે. ગોરાઈ, વસઈ અને વિરારમાં ચાર ટોલ પ્લાઝા હશે. આ માર્ગથી વસઈ સુધી 18.46 કિમીનો વિશેષ માર્ગ પણ પ્રસ્તાવિત છે.