ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
06 ઓક્ટોબર 2020
પૂર્વ મુંબઈના ઘાટકોપર ઉપનગરમાં એક દુઃખદ ઘટના ઘટી હતી જેમાં એક ખુલ્લા મેનહોલને કારણે એક ગુજરાતી મહિલાનું નાળામાં પડી જતાં મોત થયું છે. આ મહિલાનો મૃતદેહ આજે સવારે પશ્ચિમ ભાગમાં આવેલા હાજી અલી દરગાહ (વરલી) વિસ્તારમાં સમુદ્રકાંઠે મળ્યો હતો.
મૃતક મહિલાનું નામ શીતલ જિતેશ દામા છે, જેમની વય 32 વર્ષની હતી. એમનાં પરિવારમાં એમનાં પતિ, 2 વર્ષની પુત્રી અને 6 વર્ષનો પુત્ર છે. મહિલાનો મૃતદેહ તણાઈને સોમવારે વહેલી સવારે લગભગ 3 વાગ્યે હાજી અલી સમુદ્રકાંઠે મળી આવ્યો હતો. એને પગલે તારદેવ પોલીસે આકસ્મિક મૃત્યુની નોંધણી કરી હતી.
આ અકસ્માત મુંબઈ મહાનગરપાલિકાની ભૂલને કારણે બન્યો છે કે હત્યાનો કેસ છે? એ વિશે મહાનગરપાલિકાએ આદેશ આપ્યા બાદ પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે. એ માટે આજુબાજુ મૂકવામાં આવેલા સીસીટીવી ફૂટેજને પણ તપાસવામાં આવશે. આ દરમિયાન, મહિલાનો મૃતદેહ છેક હાજીઅલી વિસ્તારમાં સમુદ્રકાંઠે કેવી રીતે પહોંચ્યો એ વિશે ચર્ચા થઈ રહી છે. અસલ્ફા વિસ્તાર અને હાજીઅલી વચ્ચે લગભગ 20-22 કિ.મી.નું અંતર છે. મૃતદેહ અસલ્ફાના નાળામાંથી ક્યાંય ન અટકીને હાજીઅલી સમુદ્રકાંઠે પહોંચ્યો એ વિશે મહાપાલિકાના અધિકારીઓ આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. કારણ કે, મહાપાલિકાએ વરસાદના પાણીના નિકાલ માટે મોટી પાઈપલાઈનો, ગટરમાંથી વહેતા પાણીમાંનો કચરો રોકવા માટે અનેક ઠેકાણે મોટી જાળીઓ-ગ્રીલ્સ બેસાડી છે. અસલ્ફાની આગળ જતા સાકીનાકા વિસ્તારમાં મૂકવામાં આવેલી ગ્રીલ્સમાં અટકાયેલો કચરો દરરોજ દૂર કરવામાં આવે છે. અસલ્ફાનું નાળું મિઠી નદીને માહિમમાં જઈને મળે છે તો શીતલ દામાનો મૃતદેહ તણાઈને માહિમ મળવો જોઈતો હતો, પરંતુ એને બદલે તે હાજીઅલીના સમુદ્રકિનારે કેવી રીતે પહોંચ્યો એ વિશે હવે તપાસ થઈ રહી છે.
આ બનાવ અંગે ઘાટકોપરમાં રહેતા ભાજપના નેતાએ ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં મહાપાલિકાના અધિકારીઓ સામે ક્રિમિનલ બેદરકારીની લેખિત ફરિયાદ નોંધાવી છે.
ભાજપના નેતાનો આક્ષેપ છે કે ઘટના જ્યાં બની તે ગટર પર અગાઉ સીમેન્ટના ઢાંકણ બેસાડેલા હતા, પરંતુ ગયા જાન્યુઆરી મહિનાથી ગટરોનું સમારકામ શરૂ કરાયા બાદ હલકી ગુણવત્તાવાળા ઢાંકણ બેસાડવામાં આવ્યા હતા. મહાપાલિકાના ભ્રષ્ટ કારભારને કારણે બે માસુમ સંતાન માતાવિહોણા થઈ ગયાં છે.
આ ઘટનાને કારણે ઘાટકોપરના રહેવાસીઓમાં ખૂબ રોષ ફેલાયો છે. ગટરનું કામ કરનાર કોન્ટ્રાક્ટર અને મહાપાલિકા અધિકારી પર સદોષ મનુષ્યવધનો ગુનો નોંધવો જોઈએ એવી માગણી થઈ રહી છે.