News Continuous Bureau | Mumbai
- વર્ષ ૨૦૨૩ દરમિયાન ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર ૮૯૭ વાહન ચાલકોના લાયસન્સ રદ્દ કરાયા
- ચાલુ વર્ષમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર ૫૮૩ વાહન ચાલકોના લાયસન્સ રદ્દ કરાયાઃ
Surat Traffic Police:પોલીસ કમિશ્નરશ્રી અનુપમસિંહ ગહલોતની અધ્યક્ષતામાં સુરત પોલીસ કમિશનર કચેરીના ખાતે સુરત શહેર રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન હાઇ-વે પર પડેલા મસમોટા ખાડાઓ પુરવા બાબતે નેશનલ હાઇ-વે ઓથોરિટી દ્વારા કામગીરીમાં કરવામાં આવી રહેલી ઢીલાશ અંગે ચર્ચા કરતા પોલિસ કમિશનરએ નેશનલ હાઇવે ઓથોરિટીના કાર્યપાલક ઇજનેરની ગેરહાજરીની નોંધ લઇ નોટીસ જારી કરવાની સુચના આપી હતી.ઉપરાંત નેશનલ હાઇવે પર પડેલા ખાડાથી અકસ્માતમાં કોઇ નિદોર્ષ નાગરિકનું મૃત્યુ થશે તો નેશનલ હાઇવેના અધિકારીનું નામ એફ.આઇ.આરમાં પહેલું હશે એમ જણાવ્યું હતું.
બેઠકમાં પોલીસ કમિશનરએ ટ્રાફિક નિયમ પાલન માટે લોકોમાં વધુમાં વધુ જાગૃતિ આવે એ પ્રકારના સઘન કાર્યક્રમો કરવા અંગે પણ વિગતે ચર્ચા કરી હતી. તેમણે શહેર ટ્રાફિક પોલીસ નાગરિકોની સલામતી અને રોડ પરની સુરક્ષા માટે સતત પ્રયાસો કરી રહી છે એમ જણાવી સુરતમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે વાહનોનું યોગ્ય જગ્યાએ પાર્કિંગ થાય તેમજ નો પાર્કિંગ એરિયામાં ન થાય તે માટે સઘન કામગીરી કરવા અને આડેધડ પાર્કિંગ કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
આ સમાચાર પણ વાંચો: Bardoli ITI:બારડોલી ITI ખાતે તા.૩૧ ઓગસ્ટ ચોથા રાઉન્ડ માટે પ્રવેશ મેળવવાની સુવર્ણ તક
આ ઉપરાંત, રખડતા પશુઓ મામલે ચર્ચા કરતા મહાનગરપાલિકા દ્વારા આ અંગે કરવામાં આવેલી કામગીરીની વિગતે સમીક્ષા કરી હતી. મહાનગરપાલિકા દ્વારા માર્ચ માસમાં ૨૪૧ રખડતા ઢોરોને પકડવામાં આવ્યા હતા.તેમજ ચાલુ વર્ષમાં ૯૪.૧૯ લાખનો દંડ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા જયારે રખડતા ઢોરોને પકડવામાં આવે. છે ત્યારે ઢોરમાલિકો દ્વારા કરવામાં આવતી માથાકૂટ અંગે પોલીસ કમિશનરને જણાવાતા તેમણે ઢોર પકડવા જતી વખતે પુરતો પોલીસ બંદોબસ્ત આપવા માટે કમિશનરએ પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
ઝોનલ ઓફિસરોએ કરેલ કામગીરી જેવી કે,સ્ટોપ લાઇન,ઝીબ્રા ક્રોસિંગ,નો પાર્કિંગના સાઇન બોર્ડ,સ્પીડ લિમીટના સાઇન બોર્ડ,પ્રાર્કીંગના સાઇન બોર્ડ અને પીળા પટ્ટા દ્વારા કરેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.ઉપરાંત ખરવરનગર જંક્શન પાસે થતાં ટ્રાફિકને હલ કરવા માટેના સુચનો આપવામાં આવ્યા હતા.
વધુમાં વર્ષ ૨૦૨૩ દરમિયાન ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર ૮૯૭ વાહન ચાલકો અને ચાલુ વર્ષમાં ૫૮૩ વાહન ચાલકોના લાયસન્સ રદ્દ કરવાની કામગીરી આર.ટી.ઓ કચેરી દ્વારા કરવામાં આવી હતી જે મુદ્દાની ચર્ચા કરતા કમિશનરે જણાવ્યું હતું કે, ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તો જ નિયમોનું પાલન થશે, માટે કામગીરીને વધુ સઘન બનાવવામાં આવે એવી અપેક્ષા તેમણે વ્યકત કરી હતી.
આ સમાચાર પણ વાંચો: Van Mahotsav:સુરતની આ શાળામાં ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન, શાળાના કમ્પાઉન્ડમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષ રોપાયા
આ ઉપરાંત ટ્રાફિક સિગ્નલ અપડેટ કરવા, ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના કેસો, બ્લેક સ્પોટ પર ૧૦૮ ઈમર્જન્સી સેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીની પણ ચર્ચા કરવામાં આવી હતી. સુરત શહેરના નાગરિકો દ્વારા શહેરમાં લાગેલા ટ્રાફિક સિગ્નલનું પાલન કરતી થઇ છે જેના લીધે અકસ્માતોનું પ્રમાણ પણ ઘટયું છે એમ કહી તેમણે સુરત શહેરની જનતામાં ટ્રાફિકના નિયમોના પાલનમાં આવી રહેલી જાગૃતતાની પણ પ્રસંશા કરી હતી.
બેઠકમાં ટ્રાફિકના સંયુકત પોલીસ કમિશનર એચ.આર.ચૌધરી, નાયબ પોલીસ કમિશ્નર ટ્રાફિક, આર.ટી.ઓ અધિકારી, મનપાના કાર્યપાલક ઈજનેર, ટ્રાફિક શાખાના અધિકારીઓ, કાઉન્સિલના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.