News Continuous Bureau | Mumbai
- સુરત જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો પોતાના ફળ તથા શાકભાજી સહિતની ખેતપેદાશોનું સુરતવાસીઓને સીધું વેચાણ કરશે
- દર બુધવાર અને રવિવારે ખેડૂતો પોતાની ખેતપેદાશોનું વેચાણ કરશે
Surat Agricultural News: પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળી રહે તે માટે રાજય સરકાર અથાગ પ્રયત્નો કરી રહી છે, ત્યારે સુરતવાસીઓને પ્રાકૃતિક કૃષિ પેદાશો ઘરઆંગણે મળી રહે એ માટે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે એસ.ડી. જૈન કોલેજ, વેસુ (સુરત) પાછળ, સુરત મહાનગર પાલિકા હસ્તકની શાકભાજી માર્કેટમાં પ્રાકૃતિક કૃષિ બજાર સ્થાપિત કરાયું છે. જેમાં સુરત જિલ્લાના તમામ તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પોતાના ઉત્પાદનોનું વેચાણ સરળતાથી કરી શકે તે માટે પ્લેટફોર્મ મળશે. જિલ્લાના વિવિધ તાલુકાઓના ગામોમાં પ્રાકૃતિક ખેતી કરતા ૭૦ થી વધુ ખેડૂતો અહીં દર બુધવાર અને રવિવારે સવારે ઉચ્ચ ગુણવત્તાવાળા અને કેમિકલ મુક્ત શાકભાજી, ફળો, કઠોળ અને અનાજનું સીધું વેચાણ કરશે, ત્યારે પ્રાકૃતિક કૃષિ બજારને આગામી તા.૭મી એપ્રિલના રોજ સવારે ૧૦.૦૦ વાગે રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે ખુલ્લુ મુકવામાં આવશે. મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી, જિ.પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ, જિલ્લા કલેકટર, મ્યુ.કમિશનર સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
આ સમાચાર પણ વાંચો : Taluka Welcome Program: ૨૩મીએ ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’માં વર્ગ-૧ના અધિકારીઓ હાજર રહેશેઃ
પ્રાકૃતિક કૃષિબજારના કોન્સેપ્ટથી ખેડૂતો પ્રાકૃતિક કૃષિ પેદાશોને સીધું વેચાણ કરી શકશે
જિલ્લા વહીવટીતંત્ર તથા સુરત મહાનગરપાલિકાની આ પહેલ અંતર્ગત ખેડૂતો તેમની કૃષિ પેદાશોને સીધા જ બજારમાં વેચી શકશે, જેનાથી તેમને વાજબી ભાવ મળશે અને આવકમાં વધારો થશે. આ ઉપરાંત, શહેરી વિસ્તારોના લોકોને પણ ઉચ્ચ ગુણવત્તાની કુદરતી કૃષિ પેદાશોની સરળ ઍક્સેસ મળશે, જેનાથી સ્વાસ્થ્યની જાળવણી થશે.
આ શાક માર્કેટ સુરત મહાનગરપાલિકાએ રૂા.૪૧.૫૬ લાખના ખર્ચે ૧૧૦૬ ચોરસ મીટરમાં બનાવાયુ છે. જાન્યુઆરી ૨૦૨૫માં સુરત મનપાએ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે એક ખાસ ઠરાવ કરીને સુરત જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તેનો ઉપયોગ કરી શકે છે એ માટે લઘુત્તમ ભાડા પર જગ્યા ફાળવવામાં આવી છે. આ વેચાણ કેન્દ્ર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને વધુ લાભ આપશે અને ભવિષ્યમાં અન્ય ખેડૂતોને કુદરતી ખેતી અપનાવવા પ્રોત્સાહિત કરશે.
સુરત જિલ્લો નેચરલ ફાર્મિંગ ક્ષેત્રે અગ્રેસર બની રહ્યો છે
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાનું આહ્વાન કર્યું છે, જેમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને સ્વપ્નદ્રષ્ટા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ભૂમિકા ભજવી રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લો નેચરલ ફાર્મિંગ ક્ષેત્રે અગ્રેસર બની રહ્યો છે. જિલ્લાના ખેડૂતો આ પહેલમાં ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.