News Continuous Bureau | Mumbai
- પારૂલ યુનિવર્સિટી-વડોદરાની ટીમ વિજેતા બની: રૂ.૨૫,૫૫૫ વિજેતા પુરસ્કાર અને ટ્રોફી એનાયત
- ગુજરાતના વિવિધ નર્સિંગ કોલેજો અને હોસ્પિટલોની ૨૮ ટીમો ટુર્નામેન્ટમાં જોડાઈ હતી
- ‘કેચ ધ રેઈન’ થીમ પર આધારિત આ ટુર્નામેન્ટ થકી જળસંચય ઉપરાંત અંગદાન, ‘નો ડ્રગ્સ’નો સંદેશ આપવાનો ઉદ્દેશ: કોર્પોરેટર વ્રજેશ ઉનડકટ
GNCP 2025: નર્સિંગ સમુદાય માટે રમતગમત અને સામાજિક જાગૃતિ માટે ખજોદના સી.બી.પટેલ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આયોજિત ગુજરાત નર્સિંગ ક્રિકેટ પ્રીમિયર લીગ-૩ (GNCP-2025) નું રંગેચંગે સમાપન થયું હતું, ફાઈનલ મેચમાં પારૂલ યુનિવર્સિટી-વડોદરાની ટીમ વિજેતા બની હતી. લિજેન્ડ ઇલેવન વડોદરા રનર્સ અપ રહી હતી. ચેમ્પિયન ટીમને રૂ.૨૫,૫૫૫ પુરસ્કાર અને ટ્રોફી તેમજ રનર્સ અપ ટીમને રૂ.૧૫,૫૫૫ અને ટ્રોફી એનાયત કરાયા હતા.

GNCP 2025 Gujarat Nursing Cricket Premier League- 2025 concludes with a bang at C.B. Patel Cricket Stadium
અંગદાન મહાદાન, નો ડ્રગ્સ અને ‘કેચ ધ રેઈન’ની જાગૃત્તિ અર્થે તેમજ નર્સિંગ સમુદાયમાં એકતા, પ્રગતિ અને જાગૃતિ મજબૂત બને એવા હેતુ સાથે યોજાયેલી ટુર્નામેન્ટમાં ગુજરાતની વિવિધ નર્સિંગ કોલેજો અને હોસ્પિટલોની ૨૮ ટીમોએ ભાગ લીધો હતો, ફાઈનલમાં લિજેન્ડ ઇલેવન-વડોદરાએ ૧૩ ઓવરમાં ૭૦ રન બનાવ્યા હતા, જેને પારૂલ યુનિ.-વડોદરાની ટીમે ૧૩ ઓવર, ૫ બોલમાં પાર કરતા ૭૧ રન બનાવી ભવ્ય જીત મેળવી હતી. કષ્ટભંજન ટીમના ખેલાડી બ્રિજેશ પટેલ મેન ઓફ ધ સિરીઝ જાહેર થયા હતા.
પૂર્ણાહૂતિ સમારોહમાં કોર્પોરેટર વ્રજેશ ઉનડકટે જણાવ્યું કે, ‘કેચ ધ રેઈન’, જલ હૈ તો કાલ હૈ’ ની થીમ પર આધારિત આ ક્રિકેટ ટુર્નામેન્ટથી નર્સિંગ સમુદાયને કામના ભારણમાંથી થોડી હળવાશ મળી છે, તેમજ મૈત્રી અને ખેલદિલીની ભાવનાથી સૌ પરસ્પર જોડાયા છે. ડ્રગ્સનું દૂષણ સમાજમાંથી દૂર થાય અને ‘નો ડ્રગ્સ’ ના સંદેશ સાથે તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય એ માટેનો પ્રયાસ કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : Surat: ગર્વની ક્ષણ, કોડેવર રોબોટિક્સમાં તનય પટેલે જીત્યું પ્રમુખ ટાઇટલ, રાષ્ટ્રીય સ્પર્ધામાં દાવેદાર
GNCP 2025: નર્સિંગ વિદ્યાર્થીઓ સમાજ અને દર્દીઓ વચ્ચે સેતુરૂપ છે. ટુર્નામેન્ટના ૫ દિવસ દરમિયાન દરરોજ નર્સિંગ વિદ્યાર્થીઓને જાગૃત્ત કરાયા હતા, જેથી તેઓ પોતાના તેમજ પરિવારનો દૃષ્ટિકોણ બદલી અંગદાન, પાણી બચાવવા, ડ્રગ્સ સામેની ઝુંબેશમાં સહયોગી બનવા સંકલ્પબદ્ધ થયા છે એમ જણાવી શ્રી ઉનડકટે વિજેતા ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
આયોજકશ્રીઓ ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, આદિલ કડીવાલા, વિરેન પટેલ અને દિનેશ અગ્રવાલ (અમેરિકા સ્થિત)એ ક્રિકેટ લીગ દ્વારા સ્પોર્ટ્સ સાથે સામાજિક જાગૃત્તિનું સફળ આયોજન કર્યું હતું. સિવિલ મેડિકલ કોલેજના ડીન ડો.જયેશ બ્રહ્મભટ્ટે આયોજકો અને ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી.

આ પ્રસંગે મનપાની પાણી સમિતિના ચેરમેન હિમાંશુ રાઉલજી, પૂર્વ સિન્ડીકેટ મેમ્બર કનુભાઈ ભરવાડ, ટી એન્ડ ટીવી નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ કિરણ દોમડીયા, ફોરેન્સિક એક્સપર્ટ ડો.વિનેશ શાહ, નર્સિંગ એસો,ના નિલેશ લાઠીયા, વિભોર ચુગ, જગદીશ બુહા, લોકલ નર્સિંગ એસો.પ્રમુખ અશ્વિન પંડ્યા સહિત નર્સિંગ એસો.ની ટીમના સભ્યો, આરોગ્ય અને નર્સિંગ સ્ટાફ, ખેલાડીઓ, ક્રિકેટપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

