News Continuous Bureau | Mumbai
GSRTC Bus: દિવાળીના તહેવારને ધ્યાને રાખીને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને આયોજન હેઠળ રોડ કનેક્ટિવિટી અને જાહેર પરિવહન સેવાને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે ( GSRTC ) વધુ સુદ્રઢ બનાવી છે. આ વર્ષે એસ.ટી.નિગમ દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાને લઈ વતનમાં જવા તા.૨૬થી ૩૦ ઓક્ટોબર દરમિયાન સુરતથી ૨૨૦૦ એકસ્ટ્રા બસો દોડાવશે એમ વાહનવ્યવહાર, ગૃહરાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ ( Harsh Sanghavi ) જણાવ્યું છે.
સુરત ( Surat ) સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વિગતો આપતાં વાહનવ્યવહાર મંત્રીએ જણાવ્યું હતું કે, છેવાડાના માનવી સુધી એસ. ટી. બસની ( ST Buses ) કનેક્ટિવિટી મળી રહે તે માટે રાજ્ય સરકારે ( Gujarat Government ) જાહેર પરિવહનનું સુદ્રઢ માળખું બનાવ્યું છે. રાજ્યમાં એસ.ટી.નિગમ દ્વારા દરરોજની ૮૦૦૦થી વધુ બસો ૩૨ લાખ કિલોમીટરનું સંચાલન કરી દૈનિક ૨૩ થી ૨૭ લાખ જેટલા મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થળ સુધી પહોંચાડે છે.
મંત્રીશ્રીએ કહ્યું કે, દિવાળીના ( Diwali ) દિવસોમાં સુરત શહેરમાંથી પોતાના વતન સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાત, દાહોદ, પંચમહાલ સહિત અન્ય જિલ્લાઓમાં તેમજ મહારાષ્ટ્રમાં હજારોની સંખ્યામાં લોકો જતા હોય છે, જેને ધ્યાને લઈને સૌથી વધુ એકસ્ટ્રા બસો સુરત વિભાગ દ્વારા તા.૨૬ થી ૩૦મી ઓક્ટો. દરમિયાન સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પંચમહાલ, મહારાષ્ટ્ર સહિત વિવિધ સ્થળોએ ૨૨૦૦ જેટલી વધુ બસો દોડાવવામાં આવશે. વધુ માંગ હશે તો વધુ બસો ફાળવવાની પણ નિગમની તૈયારી છે.
રાજ્યના સૌરાષ્ટ્ર સહિત વિવિધ સ્થળોએ પણ ખાસ કરીને કે જેઓ દિવાળીના તહેવારમાં માદરે વતન તરફ પ્રવાસ કરે છે. મોટી સંખ્યામાં પ્રવાસ કરતા સૌરાષ્ટ્રવાસીઓ તથા રાજ્યની અન્ય જનતા માટે સુરતથી ખાસ એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન છે. એકસ્ટ્રા બસોનું સંચાલન સાંજે ૪.૦૦ થી રાત્રે ૧૦.૦૦ કલાક સુધી રહેશે, જે માટે મુસાફરો એડવાન્સમાં ટિકિટ ( Advance Booking ) તેમજ ગૃપ બુકિંગ પણ કરાવી શકશે. આખી બસનુ ગ્રુપ બુકિંગ કરાવનારને ‘એસ.ટી. આપના દ્વારે’ યોજના હેઠળ તેમની સોસાયટીથી વતન સુધી પહોચાડવામાં આવશે એમ મંત્રીશ્રીએ કહ્યું હતું.
મહારાષ્ટ્ર તરફના મુસાફરો માટે પણ નિગમ દ્વારા ઉધના બસ સ્ટેશનથી એક્સ્ટ્રા બસો નવાપુર, નંદુરબાર, ધુલિયા, શહદા માટે મૂકાશે. તા.૧૪/૦૯/૨૦૨૪ થી તા.૨૫/૧૦/૨૦૨૪ દરમ્યાન એકસ્ટ્રા બસોનું ગૃપબુકિંગ એસ.ટી સેન્ટ્રલ બસ સ્ટેશન સુરત તેમજ અડાજણ બસ પોર્ટ ખાતે આવેલ સુરત સિટી ડેપોથી કરી શકાશે સાથોસાથ બસોનું એડવાન્સ બુકિંગ એસ.ટી સેન્ટ્રલ બસ સ્ટેશન, અડાજણ, ઉધના બસ સ્ટેશનો, કામરેજ બસ સ્ટેન્ડ, કડોદરા બસ સ્ટેશન તેમજ નિગમના તમામ બસ સ્ટેશનો ઉપરાંત એસ.ટી.દ્વારા નિમાયેલા બુકિંગ એજન્ટો, મોબાઇલ એપ તથા નિગમની વેબસાઇટ www.gsrtc.in ઉપરથી પણ ઓનલાઇન ટિકિટ બુકિંગ કરી શકાશે.
આ સમાચાર પણ વાંચો : Express Train : યાત્રીગણ ધ્યાન આપો…! 18 સપ્ટેમ્બર સુધી આ એક્સપ્રેસ ટ્રેન નંગલ ડેમ સ્ટેશન પર થશે શોર્ટ ટર્મિનેટ.
તા.૨૬ થી તા.૩૦ ઓક્ટો. દરમિયાન સાંજે ૦૪.૦૦ થી રાત્રે ૧૦.૦૦ વાગ્યા સુધી સૌરાષ્ટ્ર તરફનું એકસ્ટ્રા બસો ધારૂકા કોલેજ વરાછા રોડ ખાતેના મેદાનમાંથી તથા દાહોદ, ગોધરા, ઝાલોદ, પંચમહાલ તરફની બસો એસ.ટી.સેન્ટ્રલ બસ સ્ટેશનની સામેના ગ્રાઉન્ડમાંથી તેમજ અડાજણ બસ પોર્ટથી ઉપડશે.
વધુમાં ટ્રાફિકના ધસારાને ધ્યાને લઇ તા.૩૧/૧૦/૨૦૨૪ થી તા.૦૬/૧૧/૨૦૨૪ (લાભ પાંચમ) સુધી વડોદરા, અમદાવાદનું એકસ્ટ્રા બસો સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનથી ઉપડશે.
પ્રેસ કોન્ફરન્સમાં એસટીના વિભાગીય નિયામક પી.વી.ગુર્જર, DME જય એન.ભાંભરે, સેકન્ડ DME ઓ.જી.સુરતી, ડેપો મેનેજર ભાવેશ પટેલ સહિત મીડિયાકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.