News Continuous Bureau | Mumbai
Loksabha Election 2024 :
- સુરતમાં ૧૦૦ વર્ષથી વધુ વય ધરાવતા ૩૭૧ શતાયુ મતદારો લોકશાહીને મજબૂત બનાવવા મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં ભાગીદારી નોંધાવશે
- સુરત જિલ્લામાં ૮૫ વર્ષથી વધુ વય ધરાવતા ૨૪,૬૭૬ વરિષ્ઠ મતદારો નૈતિક ફરજના ભાગરૂપે મતદાન કરી અન્યો માટે પ્રેરણારૂપ બનશે..
ભારતની ગૌરવશાળી લોકશાહીના જતનમાં ભાગીદાર થનાર મતદારો એટલે વરિષ્ઠ અને શતાયુ નાગરિકો, કે જેઓએ દાયકાઓ સુધી નૈતિક ફરજના ભાગરૂપે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. આ નાગરિકોને તેમની શારીરિક અશક્તતાના કારણે મત આપવામાં પડતી અગવડતાને દૂર કરવા ભારતના ચૂંટણી પંચ દ્વારા કેટલીક ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેના કારણે વરિષ્ઠ મતદારો વિશેષ સુવિધાઓ સાથે પોતાનો મત આપી શકશે. ત્યારે સુરત જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં આ લોકશાહીના મહાપર્વમાં ૧૦૦ વર્ષથી વધુ વય ધરાવતા ૩૭૧ શતાયુ મતદારો નોંધાયા છે. જેઓ આ ચૂંટણી મહાપર્વમાં જોડાઇને અન્યો માટે પ્રેરણારૂપ બનશે.
ભારતના ચૂંટણીપંચે ૮૫ વર્ષથી વધુ ઉંમરવાળા વરિષ્ઠ નાગરીકો માટે પોસ્ટલ બેલેટ દ્વારા ઘરેથી મતદાનની સુવિધા આપવાની જોગવાઇ કરી છે. ત્યારે સુરતમાં ૮૫ વર્ષથી વધુના ૨૪,૬૭૬ મતદારો નોંધાયા છે, જે આ જોગવાઇનો લાભ લઇ શકશે. જયારે ૩૭૧ શતાયુ મતદારો નોંધાયા છે. જેઓ પણ મતદાન મથક સુધી ન પહોંચી શકે તો ઘરેથી મતદાન કરવાનો લાભ મેળવી શકશે.
આ સમાચાર પણ વાંચો : Bank Holiday : તમારા જરૂરી કામ ઝટપટ પતાવી લેજો, આવતીકાલે આ કારણે બેંકો રહશે બંધ.. જુઓ રાજ્ય મુજબની યાદી..
અદ્યતન મતદાર યાદી મુજબ ઓલપાડ વિધાનસભા મતવિસ્તારમાં ૮૫ વર્ષથી વધુ વય ધરાવતા ૧૬૬૩ તથા ૧૦૦ વર્ષથી વધુ વય ધરાવતા ૨૩ શતાયુ મતદારો, આ મુજબ ૮૫ વર્ષથી વધુ વય ધરાવતા અને ૧૦૦ વર્ષથી વધુ વય (શતાયુ) ધરાવતા મતદારો અનુક્રમે માંગરોળ વિધાનસભામાં ૧૭૧૦ અને ૩૪, માંડવી વિધાનસભામાં ૧૯૮૮ તથા ૩૭, કામરેજ વિધાનસભામાં ૧૬૯૮ અને ૨૬, સુરત પૂર્વ વિધાનસભામાં ૨૬૩૧ અને ૨૬, સુરત ઉત્તર વિધાનસભામાં ૧૨૪૪ અને ૦૭, વરાછા રોડ વિધાનસભામાં ૪૩૮ અને ૦૮, કરંજ વિધાનસભામાં ૨૮૮ અને ૦૭, લિંબાયત વિધાનસભામાં ૮૪૯ અને ૧૨, ઉધના વિધાનસભામાં ૭૧૯ અને ૦૫, મજુરા વિધાનસભામાં ૨૪૪૩ અને ૩૯, કતારગામ વિધાનસભામાં ૮૨૭ અને ૦૮, સુરત પશ્વિમ વિધાનસભામાં ૨૫૦૬ અને ૪૦, ચોર્યાસી વિધાનસભામાં ૧૫૭૪ અને ૨૮, બારડોલી વિધાનસભામાં ૧૭૩૩ અને ૧૭, મહુવા વિધાનસભામાં ૨૩૬૫ અને ૫૪ વરિષ્ઠ મતદારો નોંધાયેલા છે.
ચૂંટણીઓને સહભાગિતાયુક્ત અને સર્વસમાવેશી બનાવવાની સાથે મતદારોને ચૂંટણી સેવાના ભાગરૂપે ચૂંટણી પંચ દ્વારા પીવાનું પાણી અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેમાં વરિષ્ઠ નાગરીકો માટે મતદાન સુગમ બની રહે તે માટે વાહન, વ્હીલચેર અને સહાયકની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.