News Continuous Bureau | Mumbai
SMIMER Hospital: કેફી દ્રવ્યોના સેવનથી સુરત ( Surat ) શહેરના ભટારમાં રહેતા શ્રમિકનું પેટ માટલાની જેમ ફૂલી ગયું હતું. અસહ્ય દુખાવા સાથે સ્મીમેરમાં દાખલ થયેલા શ્રમિકની સ્મીમેરના તબીબોએ સફળ સર્જરી કરી પીડામાંથી છૂટકારો અપાવ્યો હતો. દૂરબીન (લેપ્રોસ્કોપી)થી ઓપરેશન કરી સ્વાદુપિંડમાંથી ૪૨x ૩૦ સેમીની પાણી ભરેલી ગાંઠ કાઢવામાં આવી હતી. સાડા ત્રણ કલાક લાંબી સર્જરી કરી તબીબોએ દર્દીને સ્વસ્થ તો કર્યો જ, સાથે નશાથી પરિવારનું ભાવિ અંધકારમય બને એ માટે મોટીવેટ કરતા દર્દીએ જીવનમાં ક્યારેય નશો ન કરવાની ખાતરી આપી હતી. ખાનગી હોસ્પિટલમાં રૂ.બે લાખનો ખર્ચ થાય એમ હતો, એ ઓપરેશન સ્મીમેરમાં વિનામૂલ્યે થયું જેથી દર્દીને મોટી આર્થિક રાહત પણ થઈ છે.
મૂળ તાપી જિલ્લાના વ્યારાનો વતની અને ભટારમાં રહી દૈનિક મજૂરી કામ કરતો ૨૯ વર્ષીય અમિત ગામીત ( Amit Gamit ) છેલ્લા છ સાત વર્ષથી કેફી દ્રવ્યોના સેવનની ( caffeine consumption ) લત લાગતા વ્યસનનો આદિ બની ગયો હતો. મહિનાની મોટાભાગની કમાણી નશામાં ઉડાવી દેતો હતો. સતત નશાના કારણે તેનું શરીર માટલા જેવું ફૂલી ગયું હતું. જેના કારણે સતત ઉલ્ટી કરવી, શ્વાસ લેવામાં તકલીફ, બેચેની, બેકપેઈન, અનિંદ્રાથી પીડાઈ રહ્યો હતો. છેલ્લા છ મહિનાથી આવી સમસ્યાઓના કારણે મજૂરી કામ પણ કરી શકતો ન હતો, પરિણામે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું હતું અને બેરોજગાર બન્યો હતો.
સ્મીમેર મેડિકલ કોલેજના પ્રોફેસર અને સ્મીમેર હોસ્પિટલના સિનીયર કન્સલ્ટન્ટ સર્જન ડો. હરીશ ચૌહાણે જણાવ્યું હતું કે, સર્જરી વિભાગમાં અમિતનું ડાયગ્નોસિસ કરાયું અને સર્જરીની જરૂર પડતા દૂરબીન (લેપ્રોસ્કોપી)થી સફળતાપૂર્વક ઓપરેશન કરી પીડામાંથી મુક્ત કર્યો છે. તેના સ્વાદુપિંડમાંથી ૪૨x ૩૦ સેમીની પાણી ભરેલી ગાંઠ ( water tumor ) કાઢવામાં આવી હતી. જેમાં ૧.૯૦ લીટર ગંદુ પાણી જમા થયું હતું. આ મોટી ગાંઠ અને તેમાં રહેલા પાણીના કારણે તેનું પેટ માટલાની માફક ફૂલી ગયું હતું. કુલ ૧૦ દિવસ હોસ્પિટલમાં સઘન સારવાર આપ્યા બાદ સંપૂર્ણ સ્વસ્થ થતા પેટ પૂર્વવત થયું હતું, અને ઉલ્ટી, બેચેની, બેકપેઈન, અનિંદ્રા જેવી તમામ સમસ્યાઓનું નિવારણ થતા આજે રજા આપવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : CM Eknath Shinde :વિક્રોલી રોડ પર રીક્ષાનો અકસ્માત…સીએમ શિંદેએ ફરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું, પ્રોટોકોલ તોડી મદદ માટે દોડી ગયા; જુઓ વિડીયો
ડો.ચૌહાણે ઉમેર્યું કે, અમે તેને સ્વસ્થ કર્યો ત્યારે અમિત આભાર માનતા થાકતો ન હતો, ત્યારે સર્જરી કરનાર તબીબી ટીમે તેને ક્યારેય નશીલા દ્રવ્યોનું સેવન ન કરવાનું વચન માંગ્યું, જેથી અમિતે પોતાના પરિવારજનો, પુત્રોના સોગંદ ખાઈને આજ પછી ક્યારેય નશો ન કરવાનું, નશીલી ચીજોને હાથ ન લગાડવાનું વચન આપ્યું હતું. અમિતને સાત અને પાંચ વર્ષના બે પુત્રો છે, જેથી બાળકોનું ભવિષ્ય અંધકારમય ન બને એ માટે નશાથી દૂર રહેવા સમજાવતા તેણે ભૂલ સ્વીકારી જીવનમાં સીધા માર્ગે આગળ વધવાનો કોલ આપ્યો હતો. સ્મીમેરની ટીમને દર્દીને સ્વસ્થ કરવાનો આનંદ તો છે જ, પરંતુ નશાની ચુંગાલમાંથી મુક્ત કરવાનો પણ વિશેષ આનંદ અને સંતોષ છે.
દર્દી અમિતે સ્મીમેરના ડોક્ટરોનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, પેટમાં સતત દુ:ખાવો રહેતા મેં બે-ત્રણ નાના દવાખાનાઓમાં બતાવ્યું, દવા લીધી પણ કોઈ ફરક ન પડ્યો. નાણાભીડના કારણે મોટી પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરાવી શકુ એવી તેની સ્થિતિ ન હતી. એવામાં એક સગાએ સ્મીમેરમાં જવા સૂચવ્યું. જેથી ૧૦ દિવસ પહેલા ફૂલેલા પેટ સાથે સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયો હતો અને અહીં મને નવું જીવન મળ્યું હોય એવો અહેસાસ થઈ રહ્યો છે, એમ જણાવી નશાના દુષ્કર પરિણામો આવે છે જેથી ડોકટરોની પ્રેરણાથી હવેથી વ્યસનોને ત્યજી દીધા હોવાનું જણાવ્યું હતું.
ડો. હરીશ ચૌહાણની આગેવાનીમાં ડો.મિલન ભીંગરાડિયા, ડો.આકાશ કાનુન્ગા સહિત રેસિડેન્ટ ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફે દર્દીનું સફળ ઓપરેશન પાર પાડ્યું હતું.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
આ સમાચાર પણ વાંચો : Jagdeep Dhankhar: ઉપરાષ્ટ્રપતિ 11-12 જુલાઈ, 2024ના રોજ મુંબઈ, મહારાષ્ટ્રની મુલાકાત લેશે