News Continuous Bureau | Mumbai
Solar Panel Surat :
- સૌર ઉર્જાથી સજ્જ બની રહી છે સુરત જિલ્લાની ગ્રામ પંચાયત કચેરીઓ
- ગ્રામ પંચાયત કચેરીઓ પર સોલાર રૂફટોપથી પર્યાવરણ સંરક્ષણ અને ઊર્જા બચતનો ઉદ્દેશ: ગ્રામ્ય સ્તરે અક્ષય ઊર્જાનો વધશે ઉપયોગ
રાજ્ય સરકારે ગુજરાતને ગ્રીન અને રિન્યુએબલ એનર્જી તરફ આગળ વધારવાની નવીન પહેલ કરી છે, ત્યારે સુરત જિલ્લા પંચાયતે પણ ઝુંબેશ સ્વરૂપે જિલ્લાની ગ્રામ પંચાયત કચેરીઓને સૌર ઉર્જાથી સજ્જ અને સ્વાવલંબી બનાવવા કમર કસી છે. પરિણામે મહત્તમ ગ્રામ પંચાયતો પર સોલાર પેનલ્સ લગાવવાની કામગીરી ઝડપી ગતિથી આગળ વધી રહી છે. જેમાં સુરત જિલ્લામાં વધુ ૧૮૨ ગ્રામ પંચાયત કચેરીઓ પર સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે.
સુરત જિલ્લા પંચાયતે મુખ્ય ઉદ્દેશ ઊર્જા બચાવવાનો અને પર્યાવરણને સુરક્ષિત રાખવાનો છે. સરકારી ઇમારતોમાં સોલાર પેનલ લગાવવાથી પરંપરાગત વીજળી પરની નિર્ભરતા ઓછી થશે અને વીજળી ખર્ચમાં પણ ઘટાડો થશે. સૌર ઊર્જા સ્વચ્છ અને નવિનીકરણક્ષમ ઊર્જા છે, એટલે તેના ઉપયોગથી પ્રદૂષણ ઓછું થાય છે અને પર્યાવરણને નુકસાન પહોંચતું નથી. આ પગલાંથી માત્ર વીજળી બચતી નથી, પરંતુ પર્યાવરણ પણ સ્વચ્છ રહે છે.
ગત વર્ષે નાણાપંચ, જિલ્લા પંચાયતના સ્વભંડોળ, સમરસ ગ્રામ પંચાયતો માટે પ્રોત્સાહક ગ્રાન્ટ અને રાજ્ય સરકાર દ્વારા મળતી અન્ય ગ્રાન્ટમાંથી સુરત જિલ્લાના ૧૪૦ જેટલી ગ્રામ પંચાયત કચેરીઓની છત ઉપર ૨ થી ૫ કિલોવોટ ક્ષમતાવાળા સોલાર રૂફટોપ સિસ્ટમ્સ સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવી છે, એ જ રીતે જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની અગ્રવાલે આ વર્ષે વધુ ૧૮૨ ગ્રામ પંચાયત કચેરીઓ પર સોલાર રૂફટોપ પેનલ્સ સ્થાપિત કરવા માટે મંજૂરી આપી છે.
આ સમાચાર પણ વાંચો : Blue Aadhaar Card: આ લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે બ્લુ આધાર કાર્ડ, કેવી રીતે કરવી ઓનલાઈન અરજી ? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ..
સુરત જિલ્લાની કુલ મળીને ૩૨૨ જેટલી ગ્રામ પંચાયત કચેરીઓના વીજ વપરાશ ઓછો થશે પરિણામે વીજબીલની બચત થશે, ગ્રામ્ય સ્તરે અક્ષય ઊર્જાનો ઉપયોગ વધશે અને સોલાર રૂફટોપની મદદથી ઉત્પાદન થતી વધારાની વિજળી માટે વીજ કંપની વળતર પણ આપે છે. આ વળતરથી પંચાયતોની આવકમાં વધારો થતા પંચાયતના ભંડોળમાં પણ વધારો થાય છે.
સોલાર પેનલ સિસ્ટમોના સ્થાપનથી હવે ગ્રામ્ય કચેરીઓ પોતાની વીજળીની જરૂરિયાત જાતે પૂર્ણ કરી રહી છે, જેના કારણે સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ માટે ઊર્જા સ્વાવલંબનનું દૃઢ પાયાનું બંધારણ તૈયાર થઈ રહ્યું છે. આ સાથે રાજ્યના ગ્રીન એનર્જી લક્ષ્યાંકને સિદ્ધ કરવામાં પણ આ પહેલ યોગદાનરૂપ સાબિત થઈ રહી છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.