News Continuous Bureau | Mumbai
- સફાઈ કામદાર સ્વ. લક્ષ્મીબેનના વારસદારો સુરામોની ચંદ્રપ્પાને રૂ.૧૫ લાખ તથા સુરામોની ગોવિંદમ્માને રૂ.૧૫ લાખ એમ કુલ રૂ.૩૦ લાખની સહાયના ચેક અર્પણ
Surat News: ધ પ્રોહીબિબીશન ઑફ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રીહેબિલિટેશન એક્ટ-૨૦૧૩ અને સુપ્રીમ કોર્ટના માર્ગદર્શક ચૂકાદાઓ અનુસાર રાજ્ય સરકારના આદેશથી તમામ નગરપાલિકા અને મહાનગરપાલિકાઓના ગટર અને ખાળકુવાની સફાઈ કામગીરી દરમિયાન ફરજ બજાવતી વેળાએ ગુંગળામણથી મૃત્યુ પામેલા સફાઈ કામદારોના પરિવારજનોને નક્કી કરાયેલી સહાય રકમ ચૂકવવામાં આવે છે. સફાઈ કામદારોના રાષ્ટ્રીય આયોગ, નેશનલ સફાઈ કામદાર કર્મચારી ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને ગુજરાત રાજ્ય સફાઈ કામદાર વિકાસ નિગમ-ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા દ્વારા ગટર ગુંગળામણમાં મૃત્યુ પામેલા તમામ સફાઈ કામદારોના વારસદારોને સહાય પૂરી પાડવાનું ભગીરથ કાર્ય પુર્ણ કર્યું છે.
સુપ્રીમ કોર્ટના વ્હાઇટ પિટિશન (સિવિલ) Dr. Balramsingh Vs Union Of India & Ors. કેસના તા.૨૦/૧૦/૨૦૨૩ના હુકમ અનુસાર સહાય રકમમાં વધારો કરીને રૂ.૩૦ લાખ કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી યાદી મુજબ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં વર્ષ ૧૯૯૩ બાદ કુલ ૨૦ સફાઈ કામદારોના મૃત્યુ નોંધાયા છે. જે સર્વેના પરિવારજનોને મહાનગરપાલિકાએ સમયાંતરે સહાયની ચૂકવણી કરી છે.
મનપા દ્વારા સફાઇ કામદાર સ્વ. લક્ષ્મીબેનના વારસદારો સુરામોની ચંદ્રપ્પાને રૂ.૧૫ લાખ અને સુરામોની ગોવિંદમ્માને રૂ.૧૫ લાખ એમ કુલ રૂ. ૩૦ લાખની સહાય રકમના ચેક મેયર, ડે.મેયર, શાસક પક્ષના નેતા અને મેયર ફંડ સમિતિના સભ્યોના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા. મનપાના પ્રતિનિધિગણે મૃતકના પરિવારજનોની પ્રત્યે સહાનુભૂતિ વ્યકત કરી આર્થિક સહાય તેમના જીવનને જીવનનો આધાર પૂરોપાડશે એમ આશ્વસ્ત કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, સુરત મનપા એ રાજ્યમાં એવી એકમાત્ર મહાનગરપાલિકા છે, જેણે આ બાબતમાં ૧૦૦% લક્ષ્યાંક હાંસલ કર્યો છે, અને ૧૯૯૩ પછીથી આજદિન સુધીના તમામ સંબંધિત કેસોમાં સહાય ચૂકવણી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.