ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
જમ્મુ કાશ્મીર
16 જુન 2020
સુરક્ષા બળોએ શોપિયાંમાં એન્કાઉન્ટર દરમિયાન હિજબુલ ના ટોપ કમાન્ડરને સહિત ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે અને હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. થોડા દિવસો અગાઉ એક માત્ર કશ્મીરી પંડિત સરપંચની આજ લોકો દ્વારા ધોળે દિવસે હત્યા કરવામાં આવી હતી. ત્યારથી સેનાને હિજબુલ ના આતંકીઓની તલાશ હતી. જમ્મુ-કાશ્મીરના શોપિયાના તુર્કવાંગામ વિસ્તારમાં મંગળવારે સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. સુરક્ષાદળોને આતંકવાદીઓના છુપાયેલા હોવાની માહિતી મળી હતી. જે બાદ સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો અને શોધખોળ શરૂ કરાઈ હતી. જ્યારે સુરક્ષા દળોએ આતંકવાદીઓની નજીક આવવાનું શરૂ કર્યું, ત્યારે તેઓએ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધી હતી. જેના જવાબમાં સુરક્ષા દળોએ પણ સામું ફાયરિંગ કર્યું હતું. આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં ત્રણ આતંકવાદીઓના મોતની માહિતી બહાર આવી છે. આ પહેલા શોપિયાં જિલ્લામાં છેલ્લાં 10 દિવસમાં થયેલા અનેક એન્કાઉન્ટર અને મંગળવારના એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ મળીને કુલ 17 આતંકવાદીઓ માર્યા ગયા છે…..
આ સાથે જ ભારતમાં ઘૂસણખોરી કરવામાં પાકિસ્તાન આર્મી પણ પાછળ નથી. ફરી એક વાર પાકિસ્તાની સેનાએ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી તંગધાર સેક્ટર (એલઓસી નજીક) માં ફાયરિંગ કર્યું હતું. જેના જવાબમાં ભારતીય સેના જવાબી કાર્યવાહી કરી રહી છે.
નોંધનીય છે કે આ અગાઉ દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના નિપોરા વિસ્તારમાં થયેલાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં શનિવારે સવારે બે જવાનો શહીદ થયા હતા. વાસ્તવમાં જ્યારથી ભારતીય સેનાએ'ઓપરેશન ઓલ આઉટ' શરૂ કર્યાં બાદ અવારનવાર એન્કાઉન્ટરમાં મોટા માથા માર્યા જવાથી આતંકીઓમાં ભયનું વાતાવરણ ઉભું થયું છે….