ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 નવેમ્બર, 2021
સોમવાર
શ્રીનગરમાં એક યુવાન IPS અધિકારીએ પોતાના નેક કામથી લોકોના દિલ જીત્યા છે. રોડ પર ચણા વેચનારા એક લૂંટાયેલા વૃદ્ધને અધિકારીએ આર્થિક મદદ કરી છે. આ કિસ્સો સોશિયલ મીડિયા વાયરલ થયો છે. જે જોઈને સ્થાનિકો અને સોશિયલ મીડિયા યુઝર્સ અધિકારીને શાબાશી આપી રહ્યા છે.
મામલો એમ છે કે શનિવારે કેટલાક બદમાશો 90 વર્ષના વૃદ્ધ અબ્દુલ રહેમાન પાસેથી 1 લાખ રૂપિયા છીનવીને ભાગી ગયા હતા. લૂંટની આ ઘટના સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. શ્રીનગરમાં એકલા રહેતા રહેમાને પોતાના અંતિમ સંસ્કાર માટે આ પૈસા બચાવ્યા હતા. અબ્દુલ રહેમાન રસ્તા પર બાફેલા ચણા વેચે છે. રહેમાનની વ્યથા વિશે જાણ થયા બાદ રવિવારે SSP સંદીપ ચૌધરીએ સ્ટેશન હાઉસ ઓફિસરને એક લાખ રૂપિયા સાથે રહેમાનના ઘરે મોકલ્યા હતા. જેથી જ્યાં સુધી રહેમાનના પૈસા પાછા ન મળે ત્યાં સુધી તે આ પૈસાથી પોતાનું ગુજરાન ચલાવી શકે.
એક મીડિયા સંસ્થા સાથે વાત કરતા SSP સંદીપ ચૌધરીએ કહ્યું હતું કે "આ ઘટનાના ગુનેગારોને પકડવામાં સમય લાગશે. જ્યારે મેં સોશિયલ મીડિયા પર અબ્દુલ રહેમાનનો ઉદાસ ચહેરો જોયો ત્યારે મેં થોડી મદદ કરવાનું વિચાર્યું. મેં જોયું કે પૈસા મળ્યા પછી તેણે રાહતનો શ્વાસ લીધો. આ પૈસા તેણે આખી જીંદગીની મહેનતથી કમાયા હતા."
કંગના રાણાવતના આઝાદી ઉપરના વિવાદાસ્પદ નિવેદનને આ પીઢ અભિનેતાએ આપ્યો ટેકો; સમર્થનમાં આવું કહ્યું
સંદીપ ચૌધરીએ કહ્યું હતું કે આ વૃદ્ધ વ્યક્તિ પૈસા ગુમાવવાના ડરથી પૈસા હંમેશા પોતાની સાથે રાખતો હતો. SSP સંદીપ ચૌધરીની આ ઉમદા પહેલની સોશિયલ મીડિયા પર યુઝર્સ દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. વૃદ્ધ અબ્દુલ રહેમાને કહ્યું કે તે તમામ લોકોનો આભાર માને છે જેમણે તેમના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી.
પ્રાપ્ત માહિતી મુજબ વૃદ્ધ અબ્દુલ રહેમાન સાથે બનેલી લૂંટની ઘટના અંગે એફઆઈઆર નોંધવામાં આવી છે. તપાસ બાદ પોલીસે કેટલાક શકમંદોને પકડી લીધા છે અને અબ્દુલ રહેમાનને ઓળખ માટે બોલાવ્યા છે. જો કે, રહેમાને પોલીસને કહ્યું હતું કે આ તે લોકો નથી જેમણે મારી સાથે મારપીટ કરીને મારા પૈસા છીનવી લીધા.
હાલ આ કેસની તપાસ ચાલી રહી છે.