ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 જુલાઈ 2021
શુક્રવાર
કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા વિરુદ્ધ હજી પણ દેશભરના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, ત્યારે કૅબિનેટના વિસ્તરણ બાદ નવી કૅબિનેટની થયેલી બેઠકમાં ખેડૂતોને શાંત કરવા અનેક મહત્ત્વના નિર્ણય લેવાયા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ખેડૂતોને APMC (ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી) ફંડ દ્વારા એક લાખ કરોડ રૂપિયા સુધીની મદદ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
આગામી સમયમાં ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી સહિત અનેક જગ્યાએ ચૂંટણી આવી રહી છે. ગયા વર્ષથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે એ આગામી ચૂંટણીમાં સરકારને ભારે પડી શકે છે. એથી આંદોલન કરનારા ખેડૂતોને શાંત કરવા કૅબિનેટના વિસ્તરણ બાદ તેમના માટે રાહત જાહેર કરવામાં આવી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
કેન્દ્રીય સૂચના પ્રસારણપ્રધાન અનુરાગ ઠાકુરના જણાવ્યા મુજબ APMCને મજબૂત કરવા માટે ગયા વર્ષે 15 મેના ઍગ્રિકલ્ચર ફંડની રચના કરવામાં આવી હતી. આ ફંડમાં નાણકીય યોગદાનની રીતમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. APMC માર્કેટને મજબૂત કરવાની સાથે જ કૃષિ બજારોને વધું સંસાધન આપવામાં આવશે. આ નિર્ણયથી ખેડૂતોની આવકમાં વધારો થશે. ઍગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટક્ચર ફંડનો ઉપયોગ પણ APMC કરી શકશે એવો દાવો તેમણે કર્યો હતો.
આ દરમિયાન કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું હતું કે નાળિયેર સેક્ટરમાં સુધારો કરવામાં આવશે. વિશ્વભરમાં નાળિયેરના કારોબારને વધારવા પર ભાર આપવામાં આવશે. નાળિયેરના કારોબારને સધ્ધર કરવા નાળિયેર બોર્ડ માટે CEOની નિમણૂક પણ કરવામાં આવવાની છે.