ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20, સપ્ટેમ્બર 2021
સોમવાર
દેશમાં બનાવટી નોટો પર નિયંત્રણ લાવવા માટે કેન્દ્ર સરકારે નોટબંધીનો નિર્ણય અમલમાં મૂક્યો હતો, પરંતુ સરકારનો આ નિર્ણય સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયો હોવાનું માનવામાં આવે છે. અત્યારે પણ દેશના ચલણમાં મોટા પ્રમાણમાં બનાવટી નોટ ફરી રહી છે. જેનો ખુલાસો હાલમાં જ નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યુરો (NCRB)ના જાહેર થયેલા અહેવાલમાં થયો છે.
NCRBના રિપૉર્ટ મુજબ મહારાષ્ટ્રમાં એક વર્ષમાં 83.61 કરોડ રૂપિયાની કિંમતની બનાવટી નોટ જપ્ત કરવામાં આવી છે. દેશમાં બનાવટી નોટ જપ્ત કરવાનું પ્રમાણ પણ 190 ટકા વધી ગયું છે. NCRBના ચોંકવાનારા રિપૉર્ટ મુજબ મહારાષ્ટ્રમાં 2020માં 97 લોકો પાસેથી 6,99,495 નકલી નોટ જપ્ત કરવામાં આવી હતી. તેનું મૂલ્ય 83.61 કરોડ રૂપિયા હતું. ત્યાર બાદ રાજસ્થાનથી 27.35 કરોડ રૂપિયાની કિંમતની 6,190 નકલી નોટ જપ્ત કરવામાં આવી હતી. આ કેસમાં કુલ 633 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા.
પીએમ મોદીના જન્મદિવસ પર ભારતે રચ્યો ઈતિહાસ, એક દિવસમાં રેકોર્ડ 2.5 કરોડથી વધુ વેક્સીનેશન
છેલ્લાં 3 વર્ષમાં દેશભરમાં બનાવટી નોટના 385 કેસ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા, તો બનાવટી નોટમાં આરોપી પકડાવાના સૌથી વધુ કેસ વેસ્ટ બંગાળમાં નોંધાયા હતા. એમાં કુલ 111 લોકોને પોલીસે પકડી પાડ્યા હતા. પોલીસે જપ્ત કરેલી 24,277 નકલી નોટનું મૂલ્ય 2.46 કરોડ રૂપિયા હતું. ગુજરાતમાં કુલ 23 કેસ નોંધાયા હતા, જેમાં 32ની ધરપકડ કરી હતી. બનાવટી નોટનું મુલ્ય 87.96 લાખ રૂપિયા હતું.