ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
04 ફ્રેબ્રુઆરી 2021
વર્ષ 2021ની શરુઆતમાં જ ગીરના સિંહનો શિકાર કરવાનો પ્રયાસની ઘટના સામે આવતા વન વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. સુત્રાપાડા પંથકમાં રહેતા પરપ્રાંતીય શખ્સોએ શિકાર માટે ગોઠવેલ જાળમાં સિંહબાળ ફ્સાઈ જતા તેની માતા સિંહણે વિફરીને એક શખ્સ પર હુમલો કરી દીધો હતો. જોકે, સમયસર વન વિભાગને જાણ થઈ જતા સ્ટાફે સિંહબાળને રેસ્કયુ કરાવીને એક મહિલા સહીત 4ને ઝડપી લીધા હતા.
સુત્રાપાડાના પ્રાંચી નજીકનાં ખાંભા ગામે રેવન્યુ વિસ્તારમાં ગઇકાલે એક સિંહબાળ ફાંસલામાં ફ્સાયું હોવાની જાણ થતાં વન વિભાગે દોડી જઇ સિંહ બાળનું રેસ્કયુ કરીને તેને સારવાર માટે મોકલી આપ્યુ હતું. આ અંગે સ્ટાફે ઊંડાણપૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ઈજાગ્રસ્ત સિંહબાળની માતા સિંહણે સવારે એક શખ્સ પર હુમલો કરીને ઘાયલ કરી દીધો હતો.
સિંહણના હુમલાનો બનાવ હોવાને લઈને હોસ્પિટલ દ્વારા પોલીસ અને વન વિભાગને જાણ કર્યાની ખબર મળતા ઈજાગ્રસ્ત શખ્સ અને તેની સાથે રહેલી મહિલા સહીત ૪ વ્યક્તિ ત્યાંથી નાસી ગયા હતા અને વેરાવળ થઈને જૂનાગઢ સારવાર માટે જતા હતા ત્યારે વન વિભાગે તેઓને જૂનાગઢના વાડલા પાસેથી પકડી પાડયા હતા. સ્થાનિક સુત્રોના જણાવ્યા મુજબ મહિલા સહિતના પકડાયેલા ચારેય શખ્સો મુળ મધ્યપ્રદેશના હોવાનુ મનાઈ રહ્યુ છે પરંતુ તેઓ સુરેન્દ્રનગરના થાનના વતની હોવાનું રટણ કરી રહ્યા છે. તેઓ છેલ્લા ઘણા સમયથી અહી રહેતા હોવાનું સામે આવ્યું છે. વન્ય પ્રાણીઓના શિકાર માટે ગોઠવેલા જાળમાં સિંહબાળ ફ્સાઈ જતા સિંહણએ હુમલો કર્યો અને તેઓ પકડાઈ ગયા હોવાનું માલુમ પડ્યું છે.
શિકારી ગેંગ દ્વારા જંગલ વિસ્તારમાં છ જગ્યાએ જાળ ગોઠવી હોવાની માહિતી પ્રાપ્ત થતા વન વિભાગે ચાર જાળનું લોકેશન મેળવી લઇ તેને નિકાલ કરી દીધો છે અને બાકી ની બે ફાંસલા પણ વન વિભાગને મળી ગયા હોવાનું મનાય છે. નિષ્ણાંતો મુજબ જાળ માત્ર સસલાને ફસાવવા માટે જ નહિ પરંતુ સિંહ ફસાય તેવા હોવાનું જણાય છે. મોટી જાળ ગોઠવીને સિંહને પકડી તેનો શિકાર કરવાની મુરાદ શિકારી ગેંગની હોવાનું જણાય છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતના ગીર જંગલમાં સિંહના શિકારની ઘટના વર્ષ 2007માં પ્રકાશમાં આવી હતી. ત્યાર બાદ ૧૪ વર્ષ પછી ફરી સિંહ શિકારની ઘટના સામે આવતા વન વિભાગમાં હડકંપ મચી ગયો છે અને ઉચ્ચ અધિકારીઓની બેઠક અને ધમધમાટ જોવા મળ્યો હતો. આ અંગે ડીસીએફ્એ જણાવ્યું હતું કે, હાલ પકડાયેલા ઈસમોની પૂછતાછ ચાલી રહી છે. પૂછતાછ બાદ કાર્યવાહી કરવામાં આવશે.