ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 જૂન 2021
બુધવાર
પશુ ડૉક્ટરો સાથે અપમાનજન ભાષા વાપરનારાં અને તેમને કથિત રીતે ધમકાવનારાં ભાજપનાં સાંસદ મેનકા ગાંધી સામે દેશભરના પશુ ડૉક્ટરો (વેટરનરી ડૉક્ટર)એ વિરોધ નોંધાવ્યો છે.
ઇન્ડિયન વેટરનરી ઍસોસિયેશને પર્યાવરણ માટે તથા પ્રાણીઓ માટે કામ કરનારાં સાંસદ મેનકા ગાંધી સામે ગંભીર આરોપો કર્યા છે. સોશિયલ મીડિયામાં એક ઑડિયો ક્લિપ ફરી વળી છે. એમાં મેનકા ગાંધી કથિત રીતે વેટરનરી ડૉક્ટર સાથે અપમાનજનક ભાષામાં વાત કરી રહ્યાં છે. સાથે જ તેઓ ડૉક્ટરને ધમકાવી પણ રહ્યાં હોવાનું સંભળાય છે.
ડૉક્ટરને ધમકાવતી આ ઑડિયો ક્લિપ વાયરલ થયા બાદ ઇન્ડિયન વેટરનરી ઍસોસિયેશને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ડૉક્ટરોને ધમકાવનારાં મેનકા ગાંધી સામે પગલાં લેવાની માગણી કરી છે.
અહીં ઉલ્લેખનીય છે કે ફિલ્મ પ્રોડક્શન સાથે સંકળાયેલા અશોક પંડિતે પણ વેટરનરી ઍસોસિયેશનના પત્રને સોશિયલ મીડિયા પર શૅર કર્યો હતો. સાથે એવો ઉલ્લેખ પણ કર્યો હતો કે મેનકા ગાંધી દેશભરના તમામ લોકોને ફોન કરીને ધમકાવતાં હોય છે. તથા તેમને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપતાં હોય છે. હવે સમય આવી ગયો છે કે તેમને રાજકારણમાંથી રિટાયર્ડ કરી દેવામાં આવે.