News Continuous Bureau | Mumbai
- આજે સમગ્ર ભારતમાં ગુજરાત ઉદ્યોગો માટે એક વિકાસ મોડલ છે, જેનો સૌથી મોટો શ્રેય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીને જાય છે: ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુત
- આગામી સમયમાં BRICS દેશોની સમિટનું ભારત યજમાન બનશે
BRICS Youth Council: નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી-ગાંધીનગર ખાતે આયોજિત “બ્રિક્સ – યૂથ કાઉન્સિલ એન્ટરપ્રિન્યોરશિપ પ્રિ-કન્સલ્ટેશન”નો શુભારંભ સમારોહ ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. યુવા ઉદ્યોગસાહસિકો, સંશોધકોના વિચારો-કલ્પનાઓને મૂર્તિમંત કરવા માટેનો એક મંચ પૂરો પાડવા ભારત સરકારના યુવા બાબતો અને રમત ગમત વિભાગ તેમજ ગ્લોબલ કાઉન્ટર ટેરરિઝમ કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, આજે ભારતમાં સૌથી વધુ યુવાઓ છે, ત્યારે તેમને પ્રોત્સાહિત કરવા માટે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં અનેક વિવિધ કાર્યો થઈ રહ્યા છે. અગાઉ પણ રાજ્યમાં તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉદ્યોગ સાહસિકતા ક્ષેત્રે યુવાનોને વધુમાં વધુ તક મળે તે માટે અદ્યતન વ્યવસ્થાઓ ઉભી કરી હતી. આજે સમગ્ર ભારતમાં ગુજરાત ઉદ્યોગો માટે એક વિકાસ મોડલ છે, જેનો સૌથી મોટો શ્રેય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીને જાય છે.
મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, આજે ગુજરાત દેશમાં છેલ્લા ૨૦ વર્ષમાં ૩૩ ટકા નિકાસ કરતું રાજ્ય બન્યું છે. સમગ્ર દેશમાં ૧૮ ટકાથી વધુ ઉત્પાદન માત્ર ગુજરાત રાજ્ય કરે છે. દેશના જીડીપીમાં રાજ્યનો ફાળો અંદાજે ૮.૪ ટકા જેટલો છે. જેના પરિણામે ગુજરાત સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય બન્યું છે. પ્રધાનમંત્રીશ્રીના અથાગ પ્રયત્નો થકી આપણો દેશ અર્થ વ્યવસ્થામાં વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ બનવા તરફ પ્રયાણ કરી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Republic Day 2025: 76માં પ્રજાસત્તાક દિવસનો સમાપન વિજય ચોક ખાતે થશે, ત્રણ સેનાઓ, CAPFના બેન્ડ દ્વારા આટલી ભારતીય ધૂન વગાડશે.
BRICS Youth Council: વધુમાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આજે ૨૧મી સદીમાં દેશના યુવાનો ટેક્નોલોજી અને ડિજિટલ યુગમાં પોતાના પગભર થઈ શકે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત પ્રયત્નો કરી રહી છે. હાલમાં અમલી સ્ટાર્ટ અપ પોલિસી થકી રાજ્યમાં અંદાજે ૧૨ હજારથી વધુ તથા સમગ્ર દેશમાં અંદાજે ૧ લાખ ૫૦ હજાર કરતાં વધુ સ્ટાર્ટ અપ કાર્યરત છે. આજે ગુજરાત યુવાઓને સ્ટાર્ટ અપ ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા માટે અગ્રણી રાજ્ય બન્યું છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના વિકસિત ભારત@૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવા માટે આપણું રાજ્ય પણ અમૂલ્ય ફાળો નોંધાવી રહ્યું છે. આજે દરેક ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવી રહ્યું છે, ત્યારે યુવાઓ વધુમાં વધુ રિસર્ચ કરીને દેશના વિકાસમાં પોતાનો મહત્વનો ફાળો આપે તે માટે મંત્રીશ્રીએ આહવાન કર્યું હતું.
NFSUના કુલપતિ ડૉ. જે. એમ. વ્યાસે આ પ્રસંગે યુવા ઉદ્યોગ સાહસિકોનો ઉત્સાહ વધારતા જણાવ્યું હતું કે, આગામી સમયમાં BRICS દેશોની સમિટ ભારતમાં યોજાશે. આ સમિટ દરમિયાન ભારતના યુવા ઉદ્યોગકારોમાં રહેલી ક્ષમતાને ઉજાગર કરવા માટે ભારત સરકાર દ્વારા આ પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત કેટલાક પ્રી-પ્રોગ્રામોનું આયોજન કરીને યુવાશક્તિને BRICS અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે. જેમાં સાથે જોડાઈને GCTC ઉદ્યમીતાને પ્રોત્સાહન આપી રહી છે. આજે NFSU ભારત સરકારની આ પહેલમાં જોડાઈને ગર્વની લાગણી અનુભવી રહી છે. આ પહેલ યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપશે. કોઇપણ ઉદ્યોગને શરુ કરીને સફળ બનાવવા માટે જરૂરી શિક્ષણ, રિસર્ચ, ઇનોવેશન અને સ્ટાર્ટઅપ અંગે તેમણે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
GCTCના સ્ટ્રેટેજીક કન્સલ્ટન્ટ શ્રી પ્રાજના કુલશ્રેષ્ઠાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, આજનો આ કાર્યક્રમ BRICS દેશો સામે ભારતની યુવાશક્તિના અનોખા વિચારો, સ્ટાર્ટઅપ આઈડિયા અને ઇનોવેશનને રજૂ કરવાનો એક સોનેરી અવસર પ્રદાન કરશે. ભારત સરકારની આ પહેલથી છેવાડા વિસ્તારોમાંથી પણ યુવા ઉદ્યમીઓ આગળ આવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, આજનો યુવા ભારતની ભવ્ય વિરાસત અને ભવિષ્યમાં આવનારી શક્યતાઓ વચ્ચેનો સેતુ બનશે. સાથે જ તેમણે ગ્લોબલ કાઉન્ટર ટેરરિઝમ કાઉન્સિલ (GCTC)ની નોંધપાત્ર કામગીરી, સંસ્થાનો ઉદ્દેશ્ય અને આ કાર્યક્રમમાં GCTCની સહભાગિતા અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
આ સમાચાર પણ વાંચો : Bhuj: ભુજમાં વિશ્વની સૌથી મોટી અવકાશ વેધશાળાનું ઉદ્ઘાટન થશે, 30 દિવસમાં આટલાથી વધુ લોકો લેશે મુલાકાત
BRICS Youth Council: આ પ્રસંગે GCTCના રીસર્ચ કન્સલ્ટન્ટ ડૉ. પરોમીતા દત્તાએ ઉપસ્થિત યુવા ઉદ્યોગ સાહસિકો અને વિદ્યાર્થીઓને BRICSની દેશના વિકાસમાં ભૂમિકા સમજતા “બ્રિક્સ યૂથ કાઉન્સિલ એન્ટરપ્રિન્યોરશિપ” કાર્યક્રમના મહત્વને ઉજાગર કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, બ્રિકસ યૂથ કાઉન્સિલ એન્ટરપ્રિન્યોરશિપ કાર્યક્રમ ભારતના ‘સસ્ટેનેબલ ફ્યુચર’નો રોડમેપ પૂરો પાડશે. જેમાં ભારતની યુવાશક્તિનું યોગદાન મહત્વપૂર્ણ પૂરવાર થશે. તેમણે મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડીયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા અંગે માહિતી આપતા કહ્યું હતું કે, ભારતમાં યુવા ઉદ્યમીઓ માટે સ્ટાર્ટઅપની વાઈબ્રન્ટ ઇકોસીસ્ટમનું નિર્માણ થયું છે.
સમારોહના પ્રારંભે NFSUના કેમ્પસ ડિરેક્ટર શ્રી એસ. ઓ. જુનારેએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમણે આ એક દિવસીય કાર્યક્રમના મહત્વપૂર્ણ ઉદ્દેશ્યો જણાવીને સમગ્ર દિવસ દરમિયાન યોજાનાર વિવિધ સત્રો, પેનલ ચર્ચા સહિતના કાર્યક્રમોની વિગતવાર માહિતી આપી હતી.
આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયાના ડાયરેક્ટર જનરલ ડો. સુનિલ શુક્લ, GCTCના એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મેમ્બર શ્રી ઝફર સરેશવાલા સહિત ભારત સરકાર, ગુજરાત સરકાર, GCTCના અધિકારી-કર્મચારીઓ, યુવા ઉદ્યોગ સાહસિકો અને વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.