ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
પાકિસ્તાનમાં રહેતી એક યુવતીનાં લગ્ન ૩ વર્ષ પહેલાં ભારતના યુવક સાથે થયાં હતાં. આ દુલ્હનને ભારતના વિઝા ન મળવાથી તેનો વર લગ્ન બાદ દુલ્હન વગર જ ભારત પરત ફર્યો હતો. હવે આ પતિ-પત્નીનો વિયોગ ત્રણ વર્ષ બાદ પૂરો થયો છે.
આ કિસ્સો રાજસ્થાનના જેસલમેરના યુવક વિક્રમસિંહનો છે, જેનાં લગ્ન પાકિસ્તાની યુવતી નિર્મલાકંવર જોડે થયાં હતાં. પાકિસ્તાન અને ભારત વચ્ચેના સંબંધો હંમેશાંથી નાજુક રહ્યા છે. નાગરિકોની અવરજવરમાં પણ મુશ્કેલીઓ આવે છે. એવામાં દુલ્હનને વિઝા ન મળવાથી તે લગ્ન બાદ પાકિસ્તાનમાં જ રહેતી હતી, પણ કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી કૈલાસ ચૌધરીના સતત પ્રયત્નોને લીધે તે ભારતમાં પોતાના સાસરે પહોંચી છે.
ચોંકાવનારો અહેવાલ : ૯/૧૧ના હુમલા પાછળ આ દેશ પણ હતો જવાબદાર, ના… ના… પાકિસ્તાન નહીં; જાણીને ચોંકી જશો
અટારી બોર્ડરથી પોતાના સાસરિયામાં નિર્મલાકંવરે પ્રથમ પગલું મૂક્યું હતું. બોર્ડરથી બાડમેર પહોંચ્યા બાદ સાંસદ સેવા કક્ષમાં દુલ્હનનું સ્વાગત કરાયું હતું. ત્રણ વર્ષ બાદ પોતાની પત્નીને મળનારા વિક્રમસિંહે જણાવ્યું હતું કે તેમની પત્નીના વિઝાને બ્લૅકલિસ્ટ કરાયા હતા, જેથી તેને વિઝા મળતા ન હતા.
બાડમેર પહોંચ્યા બાદ પોલીસની અન્ય આવશ્યક ઔપચારિકતાઓ પૂર્ણ કરીને પતિ-પત્ની તેમના જેસલમેરના બઇયા ગામ જવા માટે રવાના થયાં હતાં.