News Continuous Bureau | Mumbai
CCRAS: ભારત સરકારના આયુષ મંત્રાલય હેઠળની સ્વાયત્ત સંસ્થા સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન આયુર્વેદિક સાયન્સિસ (સીસીઆરએએસ) 28 મે, 2024ના રોજ નવી દિલ્હીના ઇન્ડિયા હેબિટેટ સેન્ટર ખાતે “ફાર્મા રિસર્ચ ઇન આયુર્જ્ઞાન એન્ડ ટેક્નો ઇનોવેશન (પ્રગતિ -2024)”નું ( Pharma Research in AyurGyan And Techno Innovation (PRAGATI-2024) ) આયોજન કરી રહી છે. આ ઇન્ટરેક્ટિવ મીટિંગ સંશોધનની તકોની શોધ અને સીસીઆરએએસ અને આયુર્વેદ દવા ઉદ્યોગ વચ્ચેના સહયોગને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
આ કાર્યક્રમનું ઉદઘાટન આયુષ મંત્રાલયના ( Ministry of AYUSH ) સચિવ વેદ રાજેશ કોટેચા કરશે. તેઓ આયુર્વેદના ( Ayurveda ) વિકાસમાં ઉદ્યોગની ભૂમિકા પર મુખ્ય ભાષણ આપશે. આ કાર્યક્રમમાં સંયુક્ત સચિવ શ્રીમતી કવિતા ગર્ગ અને આયુષ મંત્રાલયના સલાહકાર ડૉ. કુસ્તુભા ઉપાધ્યાય પણ ભાગ લેશે.
સીસીઆરએએસનાં મહાનિદેશક પ્રોફેસર વૈદ્ય રવિનારાયણ આચાર્ય સીસીઆરએએસ તરફથી આ ઇન્ટરેક્ટિવ બેઠકનું નેતૃત્વ કરશે, જેમાં સંશોધન-આધારિત, ગુણવત્તાયુક્ત, સુરક્ષિત અને અસરકારક આયુર્વેદ ઉત્પાદનોનાં મહત્ત્વ પર ભાર મૂકવામાં આવશે. આ બેઠકનો ઉદ્દેશ આયુર્વેદ ફોર્મ્યુલેશન્સ અને ટેકનોલોજીકલ ઇનોવેશનના ઉત્પાદન સાથે સંકળાયેલા સંશોધકો અને ઔદ્યોગિક ભાગીદારોને જોડીને દવા અને ઉપકરણ વિકાસમાં આયુર્વેદના હિતધારકોની સંભવિતતાને મહત્તમ બનાવવાનો છે.
CCRAS: આ બેઠકના મુખ્ય ધ્યેય આ મુજબ છેઃ
સીસીઆરએએસ દ્વારા વિકસિત સંશોધન પરિણામો અને ટેકનોલોજીનો ઉપયોગ કરવો.
ગુણવત્તા નિયંત્રણ, દવાના માનકીકરણ, ઉત્પાદનના વિકાસ અને માન્યતામાં સહયોગી સંશોધન માટે મજબૂત નેટવર્ક સ્થાપિત કરવું.
આંતરિક સંશોધન અને વિકાસ સુવિધાઓ સાથે સંભવિત ઔદ્યોગિક ભાગીદારોની ઓળખ કરવી.
દવા ઉત્પાદન અને ઉત્પાદન વિકાસમાં સંશોધકો માટે ક્ષમતા નિર્માણ માટેની તકોનું અન્વેષણ કરવું.
આયુર્વેદના વ્યાવસાયિકોને સ્ટાર્ટ-અપ્સ અને ઇન્ક્યુબેટિંગ સેન્ટર્સ શરૂ કરવામાં, આયુર્વેદિક ફાર્માસ્યુટિક્સમાં ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવામાં સહાય કરવી.
આ સમાચાર પણ વાંચો : Road Accident Claim: દેશભરમાં રૂ. 80,455 કરોડના 1.04 મિલિયન કાર અકસ્માતના દાવા બાકી છે: RTI રિપોર્ટ..
CCRAS: ઇવેન્ટમાં ચાર વિશિષ્ટ ટેકનિકલ સત્રોનો સમાવેશ થાય છે
સત્ર પ્રથમ: સીસીઆરએએસની ઉત્પાદન વિકાસ પહેલો અને સંશોધકો-ઉદ્યોગના સહયોગને મજબૂત કરવા માટેની વ્યૂહરચનાઓ પર પ્રકાશ પાડવો, જેમાં તમામ 35 ઉત્પાદનો અને ઉપકરણોની પ્રસ્તુતિઓ સામેલ છે, તેમજ દેશભરમાં પાંચ સીસીઆરએએસ પ્રયોગશાળાઓ અને 25 હોસ્પિટલ સેવાઓનું પ્રદર્શન સામેલ છે.
સત્ર બીજું: પ્રાદેશિક અને વૈશ્વિક આયુર્વેદ ઔષધ વિકાસમાં રહેલી ખામીઓને ઓળખી કાઢવા અને પડકારોનો સામનો કરવા માટે એક પેનલ ડિસ્કશન.
સત્ર ત્રીજું: સીસીઆરએએસ પાસેથી અનુભવની વહેંચણી અને ઉદ્યોગની અપેક્ષાઓ, તેમજ સહયોગ માટે પ્રાથમિકતાના ક્ષેત્રોની ઓળખ કરવી.
સત્ર ચોથું: સૌપ્રથમ વખત સીસીઆરએએસ-ઉદ્યોગ સાથે વધુ જોડાણ માટે “સંશોધનની પ્રાથમિકતાઓ નક્કી કરવા” પર કેન્દ્રિત જૂથ ચર્ચાઓ યોજાશે.
આ કાર્યક્રમમાં હિમાલય, ઈમામી, બૈદ્યનાથ, ડાબર, આઈએમપીસીએલ, આર્ય વૈદ્ય સાલા, ઔષધિ અને આઈએમપીસીઓપીએસ જેવી પ્રસિદ્ધ કંપનીઓના કેટલાક સીઈઓ સહિત દેશભરમાં 35 ફાર્માસ્યુટિકલ કંપનીઓના પ્રતિનિધિઓ ભાગ લેશે. આ ઉપરાંત સીઆઈઆઈ, આયુષ એક્સિલ, પીસીઆઈએમએચ અને એનઆરડીસીના આમંત્રિત નિષ્ણાતોએ આ ઇન્ટરેક્ટિવ મીટિંગમાં જોડાવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
આયુષ 64, આયુષ એસજી, આયુષ ગુટ્ટી અને અન્ય સહિત સીસીઆરએએસ દ્વારા વિકસિત અથવા પ્રગતિમાં રહેલા તમામ 35 ફોર્મ્યુલેશન્સ અને ત્રણ ઉપકરણોની વિગતો આપતું ડોઝિયર સહભાગી ઉદ્યોગોને ચર્ચા અને સમીક્ષા માટે પ્રસ્તુત કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Canada: કેનેડામાં વિદેશી નાગરિકોના નિયમોમાં મોટો ફેરફાર, ભારતીય વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી.. જાણો વિગતે..
પ્રગતિ-2024નું અપેક્ષિત પરિણામ સીસીઆરએએસ સાથે જોડાણ કરવા, વૈજ્ઞાનિક જ્ઞાનનું આદાનપ્રદાન કરવા અને આયુર્વેદિક દવા વિકાસમાં સંશોધનનાં પરિણામો અને ઉત્પાદનોનો ઉપયોગ કરવા ઇચ્છુક સંભવિત ઔદ્યોગિક ભાગીદારોની ઓળખ કરવાનો છે. આ પહેલથી નેટવર્કિંગ અને સંસ્થાગત જોડાણો વધશે, જેનાથી આયુર્વેદિક ચિકિત્સકો અને દર્દીઓને લાભ થશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.