ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 નવેમ્બર 2021
શનિવાર.
કોઈ પણ વિવાદ માટે ખાસ કરીને વાણિજય અને અન્ય વિવાદોના તાત્કાલિક સમાધાન માટે પારંપારિક રીતે કોર્ટમાં જવાને બદલે લવાદના માધ્યમથી નિકાલ લાવવા પર ભારત સરકાર પ્રોત્સાહન આપી રહી છે. તે માટે હાલ અસ્તિત્વમાં રહેલા કાયદામાં સંશોધન અને સુધારા કરીને ઓલ્ટરનેટીવ ડીસ્પ્યુટ રીડ્રેસલ (ADR)ને પ્રોત્સાહન આપવા અને મજબૂત બનાવવા સરકારે પહેલ કરી છે. તેથી તેના ભાગ રૂપે લવાદ માટે ખાસ કાયદો લાવવાનો વિચાર કરી રહી છે.
લવાદ સંબંધી કાયદામાં હાલ અમુક અડચણો રહેલી છે. તેથી તેને દૂર કરી હાલના કાયદામાં સુધારો કરીને તેના નવેસરથી સુધારા વધારા સાથે સરકાર ફરી લાવવા માગે છે. ભારતે સિંગાપૂર સાથે મોડરેશન એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. તેથી ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતાના મુદ્દા પર એક કાયદો લાવવો આવશ્યક છે.
વાણિજ્ય અને અન્ય વિવાદોના સમાધાન માટે લવાદ ખાસ કરીને સંસ્થાકીય લવાદને પ્રોત્સાહન આપવા માટે અને લોકોને પ્રોત્સાહિત કરવા માટે અને સુવિધા આપવાના હેતુથી કેન્દ્ર સરકારે એક ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. આ ડ્રાફ્ટને મંજૂરી મળે અને કાયદો અમલમાં આવી જાય તો રાષ્ટ્રીય જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ અનેક વિવાદોનો સમાધાનપૂર્વક ઉકેલ આવી શકશે.