ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021
સોમવાર
ભારતભરમાં ૧૭મી સપ્ટેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે બે કરોડથી વધુ લોકોના રસીકરણનો જંગી રેકૉર્ડ નોંધાયો હતો. હવે કેન્દ્ર સરકારે ફરીથી આવો જ એક ઐતિહાસિક રેકૉર્ડ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. ઑક્ટોબરના મધ્ય સુધીમાં ૧૦૦ કરોડ લોકોના રસીકરણનો મોટો ટાર્ગેટ છે.
સૂત્રો દ્વારા મળેલી જાણકારી મુજબ ૧૦૦ કરોડ રસીકરણનો ટાર્ગેટ ૫થી ૧૦ ઑક્ટોબર સુધીમાં પૂરો થાય તે રીતે કેન્દ્ર સરકાર તૈયારીઓ કરી રહી છે. આ લક્ષ્ય એક વાર પાર થાય પછી આખા દેશમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કોરોના યોદ્ધાઓ, ફ્રન્ટ લાઇન વર્કર્સ અને સ્વાસ્થ્ય કર્મીઓને બિરદાવવા માટે સમારોહ આયોજિત કરવામાં આવશે. જેમણે કોરોનામાં પોતાના પ્રાણ ગુમાવ્યા છે, તેમને શ્રદ્ધાંજલિ અપાશે.
સૂત્રો દ્વારા એવું પણ કહેવાઈ રહ્યું છે કે આ સમારોહની અપેક્ષિત તારીખ ૭ ઑક્ટોબર હોઈ શકે છે, કારણ કે આ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૦૧માં પહેલી વાર ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા.