ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
18 ફેબ્રુઆરી 2021
ડીઝલની કિંમતમાં થતો વધારો, ઈ-વે બિલ અને વેહિકલ સ્ક્રેપ પોલિસી જેવા મુદ્દાઓથી નારાજ ટ્રક ટ્રાન્સપોર્ટ્સે હડતાલ પર જવાનો નિર્ણય કર્યો છે. એક તરફ ધ ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટર્સ કોંગ્રેસ (AIMTC)એ પોતાની વિવિધ માંગણીઓને લઈ સરકારને 14 દિવસનો સમય આપ્યો હતો અને દેશવ્યાપી હડતાળની ઘોષણા કરી હતી. ત્યારે હવે વ્યાપારિક સંગઠન કંફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) અને ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટર્સ વેલફેર અસોશિએશન (AITWA)એ 26મી ફેબ્રુઆરીએ એક દિવસના ભારતબંધનું એલાન કર્યું છે. આ રીતે હવે દેશમાં બે હડતાળનું આયોજન થઈ રહ્યું છે જેમાં પહેલી હડતાળ 26મી ફેબ્રુઆરીએ યોજાશે તે ચોક્કસ છે જ્યારે બીજી હડતાળ માંગણીઓ પૂર્ણ ન થાય તે સ્થિતિમાં થોડા દિવસો બાદ યોજાશે.
ઉલ્લેખનીય છે કે AIMTCએ પોતાની માંગણીઓ પૂર્ણ ન થવાની સ્થિતિમાં દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી હતી પરંતુ તે 26મી ફેબ્રુઆરીની દેશવ્યાપી હડતાળથી સ્પષ્ટપણે અલગ થઈ ગયું છે. AIMTCના મહાસચિવ નવીન કુમાર ગુપ્તાએ કહ્યું હતું કે ગર્વનિંગ કાઉન્સિલમાં એવી કોઈ ચર્ચા થઈ નથી અને આ ફક્ત કેટલાક વ્યક્તિઓનો નિર્ણય છે. આ નિર્ણયમાં અમારો ભાગ નથી અને અમારા 95 લાખ ટ્રક આ દિવસે દેશમાં સપ્લાય ચાલુ રાખશે અને કામ કરશે. આ સાથે પરિવહન કંપનીના બુકિંગ કાર્યાલયો ખુલ્લા રહેશે. તેમ પણ તેમણે જણાવ્યું હતું.
બીજી તરફ, કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના જનરલ સેક્રેટરી પ્રવિણ ખંડેલવાલે તેમની માંગણીઓને ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટર્સ વેલફેર અસોશિએશનનું સમર્થન મળ્યું હોવાની માહિતી આપી હતી. એટવાના દેશભરમાં 1 કરોડથી વધુ ટ્રાન્સપોર્ટર્સ અને કુરિયર કંપની ટ્રાન્સપોર્ટ સભ્યો છે અને 26મી ફેબ્રુઆરીએ આટલા ટ્રકના પૈડાંઓને બ્રેક વાગી જશે.