ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,14 જાન્યુઆરી 2022
શુક્રવાર.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સાંજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી. વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સિંગ મારફતે મુખ્યમંત્રીઓને દેશમાં કોરોના વાઈરસને લીધે ઝડપભેર બગડી રહેલી સ્થિતિ અને તેનો સામનો કરવાને લગતી તૈયારી અંગે વાતચીત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાને કહ્યું કે ઓમિક્રોન વેરિયન્ટ અગાઉના તમામ વેરિયન્ટની તુલનામાં સૌથી ઝડપભેર ફેલાઈ રહ્યો છે. તે અત્યાર સુધીમાં તમામ શક્યતા કરતાં સૌથી સંક્રમિત સાબિત થયો છે. સ્વાસ્થ્ય બાબતોના નિષ્ણાતો આ અંગે મૂલ્યાંકન કરી રહ્યા છે. તેમણે ચેતવણી આપી કે આ સ્પષ્ટ છે કે આપણે સૌ સાવધાન થઈ જઈએ, જોકે આ સાથે એ બાબત સુનિશ્ચિત કરવાની રહેશે કે માહોલ વધારે પેનિક ન બને. સાથે તહેવારોની આ સીઝનમાં રાજ્ય સરકારોની એલર્ટનેસ ઓછી ના થવી જોઇએ.
આ મીટિંગમાં વડાપ્રધાન મોદીએ બાળકોના વેક્સીન ડ્રાઈવમાં ઝડપ લાવવાનું કહ્યું છે. મોદીએ નિર્દેશ આપ્યો કે જે રાજ્યોમાં કોરોનાના વધુ કેસ આવી રહ્યાં છે તે રાજ્યોને ટેકનિકલ સપોર્ટ આપવામાં આવે. રસીકરણ સામે કોઈપણ ભ્રમની સ્થિતિ ઊભી થવા ન દો. અમારી પાસે કોરોના સામે લડવાનો 2 વર્ષનો અનુભવ છે. લોકોની આજીવિકાનું ઓછામાં ઓછું નુકસાન થવું જોઈએ અને અર્થવ્યવસ્થાની ગતિ જળવાઈ રહેવી જોઈએ.
પીએમ મોદીએ કહ્યું કે, કોઈપણ રણનીતિ બનાવતી વખતે આપણે આ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્થાનિક સામગ્રી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું વધુ સારું રહેશે. જ્યાંથી વધુ કોવિડ કેસ આવી રહ્યા છે, ત્યાં વધુમાં વધુ ટેસ્ટિંગ થાય તે સુનિશ્ચિત કરવાની પણ જરૂર છે. તેની સાથે હોમ આઈસોલેશનમાં મહત્તમ સારવાર થઈ શકે છે, તે પણ જરૂરી છે. હોમ આઇસોલેશનની માર્ગદર્શિકા અને પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી રહેશે.