ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,8 જાન્યુઆરી 2022
શનિવાર.
ભારતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. કોરોના કાળમાં પોતાના જીવની પરવાહ કર્યા વિના ફરજ નિભાવતા આરોગ્ય કર્મચારીઓ તથા ફ્રન્ટલાઇન વર્કર્સ માટે ત્રીજો વેક્સિનનો ડોઝ આપવાનું કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. તેમ જ 60થી વધુ વય ધરાવનાર લોકોને પણ ત્રીજો ડોઝ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ રસીકરણ ની કામગીરી આગામી 10 જાન્યુઆરી 2022થી શરૂ થશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, કોરોનાની રસીના પ્રિકોશન ડોઝ માટે આજથી એટલે કે શનિવારથી અપોઈમેન્ટ નું બુકિંગ શરૂ થઈ રહ્યું છે. કેન્દ્રએ એમ પણ સ્પષ્ટ કરી દીધુ છે કે પ્રિકોશન ડોઝ લેનારાને કોવિન પોર્ટલ અથવા એપના માધ્યમથી અલગથી રજિસ્ટ્રેશન કરાવવાની જરુર નથી. આ ડોઝ 10 જાન્યુઆરીથી અન્ય રોગોથી પીડિત 60 વર્ષથી વધુ ઉંમરના આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સ અને વૃદ્ધોને આપવામાં આવશે. જેમણે અગાઉ રસીના બંને ડોઝ મેળવ્યા છે, તેઓ આ ડોઝ લેવા માટે સીધી મુલાકાત લઈ શકે છે અથવા રસીકરણ કેન્દ્ર પર જઈ શકે છે.
સારા સમાચાર: મુંબઈમાં સામાન્ય નાગરિકોને લોકલ ટ્રેનમાં પ્રવાસ પર પ્રતિબંધની શક્યતા નહીંવત, જાણો વિગત
આરોગ્ય મંત્રાલય દ્વારા તાજેતરમાં જારી કરવામાં આવેલી ગાઇડલાઇન મુજબ, બૂસ્ટર ડોઝ 9 મહિના પૂરા થયાના આધારે આપવામાં આવશે એટલે કે બીજા ડોઝની તારીખથી 39 અઠવાડિયા બાદ બૂસ્ટર ડોઝ અપાશે. પરંતુ જેઓ હાલ કોરોનાગ્રસ્ત હોય તેમને ત્રણ મહિના પછી જ ત્રીજો ડોઝ અપાશે. તેઓએ હાલ બૂસ્ટર ડોઝ નહિ મળે.
પ્રિકોશન ડોઝ 60 વર્ષથી વધુની ઉંમરના લોકોને આપવામાં આવશે, જેઓ કોમોર્બિડિટીથી પીડાતા હોય તેમને પ્રાથમિકતા આપવામાં આવશે. સરકારે કોમોર્બિડિટી અંતર્ગત આવતી 22 બીમારીનું લિસ્ટ નક્કી કર્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે કોમોર્બિડિટીવાળા 60થી વધુ ઉંમરના લોકોએ પ્રિકોશન ડોઝ લેતાં પહેલાં ડોક્ટરને કોઈ સર્ટિફિકેટ આપવું જરૂરી નથી. જોકે આવા લોકોને ડોક્ટર પાસેથી સલાહ લેવાની ભલામણ કરવામાં આવી છે. પ્રિકોશન ડોઝ આપનાર વેક્સિન સેન્ટર્સની માહિતી કોવિન એપ પરથી લઈ શકાશે. પ્રિકોશન ડોઝ લીધા પછી તેનું સર્ટિફિકેટ પણ કોવિન એપ પરથી જ મેળવી શકાશે.
ઉલ્લેખનીય છે કે દેશમાં ઓમિક્રોનના વધતા ખતરાને ધ્યાનમાં રાખીને સરકારે ફ્રન્ટ લાઇન વર્કર અને વૃદ્ધોને બૂસ્ટર ડોઝ આપવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત 25 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રને સંબોધનમાં આની જાહેરાત કરી હતી.
મુંબઈમાં લોકડાઉન ક્યારે લાગુ પડશે? BMC કમિશનરે લોકડાઉનને લઈને કહી આ વાત; જાણો વિગત