ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 નવેમ્બર, 2021
બુધવાર
હુક્કા પ્રેમીઓ દિલ્હીમાં હવે છૂટથી હુક્કા પી શકશે. દિલ્હી હાઈકોર્ટે હુક્કાના વેચાણ માટે મંજૂરી આપી છે. જોકે બધા પ્રકારના હુક્કા માટે નહિ ફક્ત હર્બલ હુક્કાને જ મંજૂરી મળી છે.
દિલ્હી હાઈકોર્ટે મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીમાં રેસ્ટોરાં અને બારમાં 'હર્બલ હુક્કા'ના કામચલાઉ ઉપયોગને મંજૂરી આપી હતી. એવું કહેવાય છે કે હર્બલ હુક્કા ઓર્ગેનિક જડીબુટ્ટીઓમાંથી બનાવવામાં આવે છે અને તેમાં તમાકુ નથી હોતું. અસંખ્ય રેસ્ટોરાં અને બાર માલિકોએ હર્બલ ફ્લેવર્ડ હુક્કાના વેચાણ અને સેવા પર પ્રતિબંધ વિરુદ્ધ અરજીઓ દાખલ કરી હતી. જેની સુનાવણી દિલ્હી હાઇકોર્ટમાં થઈ હતી.
જસ્ટિસ રેખા પલ્લીએ કહ્યું કે કોવિડ-19ના કારણે લાદવામાં આવેલા પ્રતિબંધ અનિશ્ચિત સમય માટે ચાલુ રાખી શકાય નહીં. તેમણે એમ પણ કહ્યું કે સિનેમા હોલ અને સ્વિમિંગ પૂલને પહેલાથી જ સંપૂર્ણ ક્ષમતાથી ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. તેથી બાર અને રેસ્ટોરન્ટ્સ બાંયધરી આપે કે કોરોના વાયરસના તમામ પ્રોટોકોલના પાલન કરીને માત્ર હર્બલ હુક્કા જ વેચવામાં આવશે.
હર્બલ હુક્કાનો ઉપયોગ કરવા માટે કોઈ લાઇસન્સ જરૂરી નથી, કારણ કે તેમાં તમાકુ નથી. જોકે પોલીસ દ્વારા હર્બલ હુક્કાના વેચાણ પર દરોડા પાડવામાં આવ્યા હતા. દરમિયાન, કોરોના ફાટી નીકળવાના સમયે, દિલ્હી સરકારે કહ્યું હતું કે જાહેર સ્થળોએ હુક્કાના ઉપયોગથી કોરોનાનો ફેલાવો વધી શકે છે, તેથી તેના પર પ્રતિબંધનો નિર્ણય લેવામાં આવ્યો હતો.