News Continuous Bureau | Mumbai
Women Empowerment Gujarat માહિતી બ્યુરો-સુરત, ગુરૂવાર: આજની આધુનિક નારી એ વાતનું જીવંત ઉદાહરણ છે કે, ‘શિક્ષણ માત્ર વ્યક્તિગત વિકાસ પૂરતું સીમિત નથી, પણ સમાજના દરેક સ્તરે પરિવર્તન લાવવા અનિવાર્ય છે.’, ત્યારે શિક્ષણ, મહેનત અને સંકલ્પબળથી સફળતા મેળવતી સુવાસિની સ્વસહાય જૂથની મહિલાઓ ‘આત્મનિર્ભર સ્ત્રી’ની વ્યાખ્યા સાકાર કરી રહી છે.
‘હું ફક્ત એક ગૃહિણી નથી, રાજ્ય સરકારની મદદથી હવે હું એક સફળ લઘુઉદ્યોગ સાહસિક છું’ એમ દીનદયાળ અંત્યોદય યોજના હેઠળ કાર્યરત ‘સુવાસિની સ્વસહાય જૂથ’ અમારા માટે પથદર્શક બન્યું છે એમ આ જૂથના નિલમબેન ભાલાળાએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, અમે ઘરબેઠાં ઈકોફ્રેન્ડલી ઉત્પાદનો બનાવીએ છીએ. જેમાં લીમડાના લાકડાના રમકડાઓ, બામ્બુના ટુથબ્રશ, ટંગ ક્લિનર, જૂટ અને બાંધણી, ગૃહસુશોભનના ઉત્પાદનો તેમજ હેન્ડમેડ જ્વેલરી પણ બનાવીએ છીએ. આ સાથે સિઝનલ વ્યવસાય કરીને સારી એવી આવક મળી રહી છે. સરકાર દ્વારા થતા ગરવી ગુર્જરી મેળા, સખી મેળા તેમજ SHG મેળાઓના માધ્યમથી અમારા ઉત્પાદનોને ઘર આંગણે મોટું માર્કેટ અને ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન મળ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Visdaliya Rural Mall: માંડવી તાલુકાના વિસડાલીયા ગામે દેશનો પ્રથમ ટ્રેડમાર્ક પ્રાપ્ત રૂરલ મોલ
વધુમાં નિલમબેને કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ‘વોકલ ફોર લોકલ’, ‘સ્વદેશી અપનાવો’ ‘વન ડિસ્ટ્રીકટ, વન પ્રોડક્ટ’ અને ‘સ્કીલ ઇન્ડિયા’ સહિતના અભિયાન થકી ગૃહ ઉદ્યોગો, હસ્તકલા અને સ્ત્રી સશક્તિકરણને વેગ મળ્યો છે. અમારા જેવી અનેક મહિલાઓને પોતાની કળાથી રોજગારી મેળવવાની ઉજ્જવળ તક મળી. જેનાથી આર્થિક અને સામાજિક બંને રીતે અમારા જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું. હવે અમે અન્ય પર નિર્ભર નહીં પણ સશક્ત અને સક્ષમ છીએ.
આમ, વડાપ્રધાનશ્રીના ‘સ્વદેશી અને આત્મનિર્ભર ભારત’ અભિયાનને સાર્થક કરતી વરાછાના ‘સુવાસિની સ્વસહાય જૂથ’ની બહેનો આજે અનેક મહિલાઓ માટે પ્રેરણારૂપ બની છે. તેમની વ્યાવસાયિક યોગ્યતાએ પરિવારની સાથે સમગ્ર સમાજને એક નવી દિશા ચીંધી છે.