News Continuous Bureau | Mumbai
Indian Navy ભારતીય નૌકાદળની તાકાતમાં વધુ એક વધારો થયો છે. નૌકાદળે પોતાના યુદ્ધજહાજ પર પહેલું સ્વદેશી 3D એર સર્વેલન્સ રડાર કાર્યરત કર્યું છે. આ અત્યાધુનિક રડારનું નિર્માણ ટાટા એડવાન્સ સિસ્ટમ્સ દ્વારા સ્પેનિશ સંરક્ષણ કંપની ઇન્દ્રાના સહયોગથી કરવામાં આવ્યું છે અને તેને LANZA-N નામ આપવામાં આવ્યું છે. આ રડારની ખાસ વાત એ છે કે, તે હવામાં જ દુશ્મનોના હુમલાને શોધી કાઢવાની અને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. LANZA-N રડારને સ્પેનની બહાર કાર્યરત કરવાની આ પહેલી તક છે, જે ભારતની ટેક્નોલોજીકલ પ્રગતિનો મજબૂત પુરાવો છે.
સ્વદેશી નિર્માણ અને ટેકનોલોજીનું ટ્રાન્સફર
LANZA-N રડાર એ ઇન્દ્રા ના LANZA 3D રડારનું એક નેવલ વેરિયન્ટ છે. આ રડાર લાંબી રેન્જમાં હવાઈ લક્ષ્યો જેવા કે ફાઈટર જેટ, મિસાઈલ, અને ડ્રોનને ટ્રેક કરવાની ક્ષમતા ધરાવે છે. આ સહયોગથી, ટાટા એડવાન્સ સિસ્ટમ્સ નેક્સ્ટ જનરેશન નૌકાદળ સર્વેલન્સ રડાર સિસ્ટમ બનાવવાની અને તેને યુદ્ધ જહાજો સાથે સંકલિત કરવાની ક્ષમતા દર્શાવનાર પ્રથમ ભારતીય કંપની બની છે. આ સિસ્ટમ્સના સમુદ્રી પરીક્ષણો બાદ, જુદા જુદા નૌકાદળ અને હવાઈ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને તેની ક્ષમતાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
‘મેક ઇન ઇન્ડિયા’ મિશનને મળ્યું પ્રોત્સાહન
આ પ્રોજેક્ટ ભારતના ‘મેક ઇન ઇન્ડિયા’ અને આત્મનિર્ભર ભારત અભિયાન માટે એક મોટી સફળતા છે. ટાટા એડવાન્સ સિસ્ટમ્સ ના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર સુકરન સિંહે જણાવ્યું કે, “ઇન્દ્રા સાથેનો અમારો સહયોગ ભારતમાં રડાર ઉત્પાદન ક્ષમતાને મજબૂત બનાવવાની અમારી સંયુક્ત પ્રતિબદ્ધતા દર્શાવે છે. અમે તકનીકી કુશળતા અને મજબૂત સ્થાનિક સપ્લાય ચેઈનનો ઉપયોગ કરીને અદ્યતન સંરક્ષણ ટેકનોલોજી માટે એક મજબૂત ઇકોસિસ્ટમ બનાવી રહ્યા છીએ.” આ પ્રોજેક્ટથી ભવિષ્યમાં આવા વધુ સ્વદેશી સંરક્ષણ સાધનો વિકસાવવાનો માર્ગ ખુલ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Gold smuggling: નેપાળમાં થયેલા વિરોધ પ્રદર્શન નો જેલ ના કેદીઓ એ ઉઠાવ્યો લાભ, આ કુખ્યાત દાણચોર થયો ફરાર
કર્ણાટકમાં બનશે ઉત્પાદન યુનિટ
આ રડાર સિસ્ટમનું ઉત્પાદન ઝડપી બનાવવા માટે, ટાટા એડવાન્સ સિસ્ટમ્સ એ કર્ણાટકમાં પહેલેથી જ રડાર એસેમ્બલી, ઇન્ટિગ્રેશન અને ટેસ્ટિંગની સુવિધા સ્થાપિત કરી છે. ઇન્દ્રા ના નેવલ બિઝનેસ યુનિટના વડા આના બુએન્ડિયાએ જણાવ્યું કે, આ પ્રોજેક્ટે તેમને ટાટા સાથે બેંગલુરુમાં રડાર ફેક્ટરી સ્થાપિત કરવામાં મદદ કરી છે. આ સ્થાનિક ઉત્પાદનથી ભારતીય નૌકાદળની જરૂરિયાતો ઝડપથી પૂરી કરી શકાશે અને ભારતનો સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાનો હેતુ વધુ મજબૂત બનશે.