ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ઑક્ટોબર, 2021
શનિવાર
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ ગુજરાત સ્થિત ચોખાની કંપની દ્વારા કથિત બૅન્ક ફ્રૉડના સંબંધમાં FIR નોંધી છે. એમાં આરોપીઓએ વર્ષ 2010થી 2015 દરમિયાન ત્રણ બૅન્કો સાથે રૂ. 114.06 કરોડની છેતરપિંડી કરી હતી. એક અધિકારીના જણાવ્યા મુજબ તપાસ એજન્સીએ બૅન્ક ઑફ બરોડા, કૉર્પોરેશન બૅન્ક અને યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયાની ફરિયાદ પર નડિયાદ સ્થિત શ્રી જલારામ રાઇસ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ અને તેના ડાયરેક્ટર જયેશ ત્રિભુવનદાસ ગણાત્રા અને બિપીન ત્રિભુવનદાસ ગણાત્રા સામે છેતરપિંડીના આરોપમાં કેસ નોંધ્યો છે.
ફરિયાદમાં કહેવાયું છે કે આરોપીઓને કન્સોર્ટિયમ ઑફ બૅન્કિંગ હેઠળ વિવિધ સુવિધાઓ આપવામાં આવી છે. એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે લોન લેનાર કંપનીએ બૅન્કોને ક્રેડિટ સુવિધા મંજૂર કરવા માટે ખોટી બુક લોન બતાવી હતી. લોન લેનાર કંપનીએ કથિત રીતે લોનની રકમનો ગેરઉપયોગ કર્યો હતો. જેના કારણે બૅન્ક ઑફ બરોડા, કૉર્પોરેશન બૅન્ક અને યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયાને રૂપિયા 114.6 કરોડથી વધુનું નુકસાન થયું છે.
CBIએ એમ પણ કહ્યું છે કે ગુજરાતમાં અમદાવાદ, નડિયાદ, બાવળા સહિત છ સ્થળોએ શોધ કરવામાં આવી છે. જ્યાંથી ગુનાહિત દસ્તાવેજો મળી આવ્યા છે. આ કેસમાં વધુ તપાસ ચાલુ છે.