ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 5 એપ્રિલ 2021
સોમવાર
કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં લઈ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે “કોરોનાને માત આપવા ટેસ્ટિંગ, ટ્રેસિંગ, ટ્રીટમેન્ટ, કોરોના પ્રત્યે યોગ્ય વર્તન અને રસીકરણને ગંભીરતા અને કટિબદ્ધતા સાથે લેવાની જરૂર છે.”
મહામારીની હાલની પરિસ્થિતિ અને રસીકરણની સ્વવ્સ્થાની સમીક્ષા કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી હતી. વડા પ્રધાન મોદીએ વધુમાં કહ્યું હતું કે દેશમાં કોરોનાને ડામવા જન ભાગીદારી અને જન આંદોલન ચાલુ જ રહેવું જોઈએ. તે ઉપરાંત મહારાષ્ટ્ર, પંજાબ અને છતીસગઢમાં વધતા કેસને પગલે કેન્દ્રની વિશેષ ટીમ આ રાજ્યોમાં મોકલવામાં આવશે.
દેશમાં પ્રથમ વખત 24 કલાકની અંદર એક લાખથી વધારે કોરોના વાયરસના કેસ નોંધાયા. જાણો નવા આંકડા અહીં…
કોવિડ-૧૯ના વ્યવસ્થાપન માટે લોકોમાં જાગૃતિ અને તેમનો સહભાગ અત્યંત આવશ્યક છે. વડા પ્રધાનના કાર્યાલયની યાદી પ્રમાણે દેશમાં ૬ એપ્રિલ ૨૦૨૧થી ૧૪ એપ્રિલ ૨૦૨૧ દરમિયાન એક ખાસ કેમ્પેઈનનું આયોજન કરવામાં આવશે, જે અંતર્ગત માસ્કના ૧૦૦% વપરાશ, વ્યક્તિગત આરોગ્ય અને જાહેર સ્થળોએ તથા કાર્ય સ્થળોએ સ્વચ્છતા અને તેને લગતી સુવિધા અને કોરોના પ્રત્યે ઉચિત અભિગમ રાખવા પર ભાર આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લાં ૨૪ કલાકમાં ભારતમાં ૧,૦૩,૫૫૮ કોરોના કેસ મળ્યા છે જે અત્યાર સુધીમાં નોંધાયેલ સૌથી મોટો આંકડો છે.