કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ટૂંક સમયમાં તેમની માતા સોનિયા ગાંધીના 10 જનપથ સ્થિત ઘરે શિફ્ટ થશે. મીડિયા રિપોર્ટ મુજબ રાહુલના ઘરનો સામાન સોનિયા ગાંધીના 10 જનપથ સ્થિત આવાસમાં શિફ્ટ થવા લાગ્યો છે. સાથે જ રાહુલની ઓફિસના કામકાજ માટે નવા ઘરની શોધ કરવામાં આવી રહી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષની લોકસભાની સદસ્યતા સમાપ્ત થયા બાદ રાહુલ ગાંધીને બંગલો ખાલી કરવાની નોટિસ મળી હતી.
જેના જવાબમાં તેમણે સરકારને લખ્યું હતું કે, હું આ મકાનમાં 2004થી રહું છું, તેથી આ ઘર સાથે મારી ઘણી યાદો જોડાયેલી છે, પરંતુ તમે જે સંદર્ભમાં મને આ પત્ર મોકલ્યો છે તે હું સમયસર કરીશ. રાહુલના આ પત્ર પછી કોંગ્રેસ પાર્ટીના ઘણા કાર્યકરોએ રાહુલને ઘર આપવાની ઓફર કરી હતી. આમાં પહેલું નામ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું હતું.
તેમણે કહ્યું, જો રાહુલ ઈચ્છે તો તે તેની માતા સાથે રહી શકે છે, જો તે ઈચ્છે તો મારા ઘરે રહી શકે છે, હું તેમને મારા ઘરમાં રહેવાની વ્યવસ્થા કરીશ.
આ સમાચાર પણ વાંચો: આજે છે દાદાનો જન્મોત્સવ એટલે કે હનુમાન જયંતિ: ત્યારે જાણો મહત્વ, શુભ મુહૂર્ત અને પૂજા વિધિ…
સુરત બદનક્ષી કેસમાં સજા ફટકારાઇ હતી
મોદી જ્ઞાતિ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ સુરતની કોર્ટમાં દાખલ કરવામાં આવેલા ફોજદારી માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને દોષી ઠેરવવામાં આવ્યા હતા. ન્યાયાધીશે તેમને વધુમાં વધુ બે વર્ષની જેલની સજા સંભળાવી અને નાણાકીય દંડ પણ ફટકાર્યો. કોંગ્રેસના નેતાઓએ આ ઘટનાને રાહુલ ગાંધી વિરુદ્ધ રાજકીય કાવતરું ગણાવ્યું છે.
સજા સંભળાવ્યા બાદ રાહુલ ગાંધીને ઉચ્ચ અદાલતોમાં અપીલ દાખલ કરવા માટે મહત્તમ 30 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. પરંતુ તે અપીલ દાખલ કરી શકે તે પહેલાં જ, ચુકાદાની જાહેરાત થયાના 12 કલાક પછી, લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમનો ઉપયોગ કરીને સંસદનું તેમનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. જે બાદ કોંગ્રેસે ભાજપ વિરુદ્ધ દેશવ્યાપી આંદોલન શરૂ કર્યું હતું.