News Continuous Bureau | Mumbai
- એપ્રિલ 2000થી અત્યારસુધીમાં રાજ્યએ મેળવેલ કુલ વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) પ્રવાહના 86% છેલ્લા એક દાયકામાં નોંધાયું
- એપ્રિલ 2014થી સપ્ટેમ્બર 2024 દરમ્યાન ગુજરાતને 57.65 અબજ ડોલરનો FDI ઇક્વિટી ઇન્ફ્લો મળ્યો છે, જે છેલ્લા 24 વર્ષોમાં ગુજરાતમાં આવેલા કુલ 67.16 અબજ ડોલરના 86% છે.
- એપ્રિલ 2014થી સપ્ટેમ્બર 2024 દરમ્યાન ગુજરાતમાં 57.65 અબજ ડોલરનો FDI ઇક્વિટી ઇન્ફ્લો આવ્યો, જે આ સમયગાળા દરમ્યાન દેશમાં આવેલા કુલ 492.27 અબજ ડોલરના FDI ઇક્વિટી ઇન્ફ્લોના 11.7% છે.
- નાણાંકીય વર્ષ 2023-24ની સરખામણીમાં નાણાંકીય વર્ષ 2024-25ના પ્રથમ છ મહિનામાં ગુજરાતનો FDI ઇક્વિટી ઇન્ફ્લો અનુક્રમે 2.29 અબજ ડોલરથી વધીને 3.95 અબજ ડોલર (72.5% વૃદ્ધિ) થયો, જે 45.4%ની રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઘણો વધારે છે.
Foreign Direct Investment: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત ઔદ્યોગિક અને આર્થિક વિકાસના મોડેલ તરીકે ઊભર્યું છે. મજબૂત નીતિગત માળખું (પોલિસી ફ્રેમવર્ક), વિશ્વસ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈશ્વિક રોકાણોને આકર્ષવા માટેની વ્યૂહરચના સાથે ગુજરાતે વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) પ્રવાહમાં સતત નવા માપદંડો સ્થાપિત કર્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની રોકાણને અનુકૂળ દૂરંદેશી નીતિઓના કારણે છેલ્લા દાયકામાં ગુજરાતના FDIમાં 533 ટકાનો વધારો નોંધાયો છે.
તાજેતરમાં ડિસેમ્બર 2024માં ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા બહાર પાડવામાં આવેલા એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, એપ્રિલ 2000થી સપ્ટેમ્બર 2024 સુધી ગુજરાતે પ્રાપ્ત કરેલા કુલ FDI ઇક્વિટી ઇન્ફ્લોના 86% છેલ્લા એક દાયકામાં એટલે કે એપ્રિલ 2014થી સપ્ટેમ્બર 2024 સુધીમાં નોંધાયા છે.
આ આંકડાને વિગતવાર સમજીએ તો, ગુજરાતે એપ્રિલ 2000થી માર્ચ 2014 સુધી માત્ર 9.51 અબજ ડોલર જેટલો FDI ઇક્વિટી ઇન્ફ્લો પ્રાપ્ત કર્યો હતો. તો એપ્રિલ 2014થી સપ્ટેમ્બર 2024 દરમ્યાન ગુજરાતે હરણફાળ ભરતાં 57.65 અબજ ડોલરનો FDI ઇક્વિટી ઇન્ફ્લો પ્રાપ્ત કર્યો હતો, જે પાછલા 24 વર્ષોમાં ગુજરાતે મેળવેલા 67.16 અબજ ડોલર FDI ઇક્વિટી ઇન્ફ્લોના 86% છે. ગુજરાતનું આ પ્રભાવશાળી પ્રદર્શન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં રાજ્યના અસાધારણ પ્રદર્શન અને રોકાણકારોના વિશ્વાસને દર્શાવે છે.
આ સમાચાર પણ વાંચો : Mundra Customs: મુન્દ્રા કસ્ટમ્સે 150 કરોડ રૂપિયાના સાયકોટ્રોપિક પદાર્થોનો નાશ કર્યો, NDPS એક્ટ હેઠળ મોટી જપ્તી
Foreign Direct Investment: નાણાંકીય વર્ષ 2024-25માં ગુજરાત FDI બાબતે રાષ્ટ્રીય સરેરાશ કરતાં આગળ
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ ગુજરાતમાં રોકાણને અનુકૂળ નીતિઓ લાગુ કરવામાં અને રોકાણકારોને આકર્ષે તેવું વાતાવરણ ઊભું કરવામાં સફળ રહ્યા છે. DPIIT ના રિપોર્ટ મુજબ, નાણાંકીય વર્ષ 2024-25ના પહેલા છ માસમાં ગુજરાતમાં વિદેશી પ્રત્યક્ષ રોકાણના પ્રવાહમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. નાણાંકીય વર્ષ 2023-24માં FDI ઇક્વિટી ઇન્ફ્લો 2.29 અબજ ડોલર હતો, જે નાણાંકીય વર્ષ 2024-25માં 72.5% વધીને 3.95 અબજ ડોલર થયો હતો.
આ જ સમયગાળામાં રાષ્ટ્રીય સ્તરે પણ FDI ઇક્વિટી ઇન્ફ્લો 20.49 અબજ ડોલરથી વધીને 29.79 અબજ ડોલર થયો છે, જે 45.4%ની વૃદ્ધિ દર્શાવે છે. આ સૂચવે છે કે, ગુજરાતે રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઘણો વધારે ઇક્વિટી ઇન્ફ્લો પ્રાપ્ત કરીને રાજ્યને રોકાણ માટે મુખ્ય સ્થળ તરીકે સ્થાપિત કર્યું છે.
વર્ષ 2000થી 2024 સુધી ભારતના કુલ FDI ઇક્વિટી ઇન્ફ્લોમાં ગુજરાતનો ફાળો 9.5%
DPIITના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, એપ્રિલ 2000થી સપ્ટેમ્બર 2024 સુધીમાં ભારતમાં કુલ વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI)નો પ્રવાહ 1.03 ટ્રિલિયન ડોલર સુધી પહોંચ્યો છે, જે દેશનો આર્થિક વિકાસ અને વૈશ્વિક રોકાણકારોનો ભારતમાં વધી રહેલો વિશ્વાસ સૂચવે છે. જો આપણે આ આંકડામાં FDI ઇક્વિટી ઇન્ફ્લોને સમજીએ, તો છેલ્લા 24 વર્ષમાં ભારતમાં 708.65 અબજ ડોલરનો FDI ઇક્વિટી ઇન્ફ્લો આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : TRAI Fact Check : શું રિચાર્જ ન કરાવ્યું હોય તો પણ સિમ કાર્ડ 90 દિવસ સુધી એક્ટિવ રહેશે? ટ્રાઇએ દૂર કરી મૂંઝવણ…
Foreign Direct Investment: આ જંગી FDI ઇક્વિટી ઇન્ફ્લોમાં ગુજરાતનો ફાળો નોંધપાત્ર રહ્યો છે. રાજ્યને કુલ 67.16 અબજ ડોલરનો FDI ઇક્વિટી ઇન્ફ્લો મળ્યો છે, જે આ સમયગાળા દરમ્યાન ભારતમાં આવેલા FDIના 9.5% છે. ખાસ તો, છેલ્લા દાયકા એટલે કે એપ્રિલ 2014થી સપ્ટેમ્બર 2024 દરમ્યાનના આંકડા પર નજર કરીએ તો, ગુજરાતને આ સમયગાળા દરમ્યાન 57.65 અબજ ડોલરનો વિક્રમી FDI ઇક્વિટી ઇન્ફ્લો મળ્યો છે, જે આ સમયગાળા દરમ્યાન દેશમાં આવેલા 492.27 અબજ ડોલર FDI ઇક્વિટી ઇન્ફ્લોના 11.7% છે.
FDIમાં ગુજરાતની સફળતા: નીતિઓ, માળખાગત સુવિધાઓ અને વૈશ્વિક જોડાણનો પ્રભાવશાળી સમન્વય
FDIમાં ગુજરાતને મળેલી સફળતા એ નીતિગત સ્થિરતા, નવીનતા અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને પ્રોત્સાહન આપવાના રાજ્યના અવિરત પ્રયાસોનું પરિણામ છે. રાજ્યએ માત્ર પરંપરાગત ઉદ્યોગોમાં જ નહીં, પરંતુ નવીનીકરણીય ઊર્જા, સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ અને IT/ITeS જેવા ઊભરતા ક્ષેત્રોમાં પણ રોકાણ આકર્ષ્યું છે, જેનાથી તે વૈશ્વિક રોકાણ મૅપ પર મજબૂત સ્થાન મેળવી શક્યું છે. આ ઉપરાંત, કુશળ કાર્યબળ અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવા પ્લેટફોર્મના કારણે પણ ગુજરાત રોકાણ માટેનું સૌથી પસંદગીનું સ્થળ બન્યું છે. આ તમામ પરિબળોએ ગુજરાતને વિદેશી રોકાણનું કેન્દ્ર બનાવ્યું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.